

પાટણ, 1 ડિસેમ્બર (હિ.સ.)પાટણ એલ.સી.બી.એ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ચલવાડા ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. કુલ ₹53,65,248/- ના મૂલ્યનો મુદ્દામાલ, જેમાં દારૂ, બીયર અને ચાર વાહનોનો સમાવેશ થાય છે, જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી પાટણ જિલ્લામાં પ્રોહિબિશન સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા મળેલા આદેશના અનુસંધાને કરવામાં આવી હતી.
પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમે રાધનપુર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મેળવી હતી કે ચલવાડા ગામની સીમમાં રેલવે ફાટક નજીકની પડતર જગ્યાએ રાત્રે ટ્રક અથવા આઇસર ગાડી મારફતે દારૂ લાવીને ગેરકાયદેસર ‘કટિંગ’ કરવામાં આવવાનું હતું.
બાતમીના આધારે કરવામાં આવેલી રેડ દરમિયાન આઇસર ગાડીમાં વિદેશી દારૂ ભરેલો હોવો જણાયો હતો. રાત્રિના અંધારાનો લાભ લઇ દારૂનો મુદ્દામાલ સ્કોર્પિયો, ઇકો અને બોલેરો જેવી અન્ય ગાડીઓમાં હેરાફેરી કરવામાં આવી રહી હતી. સ્થળ પરથી કુલ 9,658 બોટલ/ટીન દારૂ અને બીયર મળ્યા હતા, જેની કિંમત ₹21,65,248/- થાય છે.
પોલીસે એક આઇસર, એક ઇકો, એક પીકઅપ ડાલુ અને એક સ્કોર્પિયો ગાડી મળીને કુલ ₹32,00,000/-ના ચાર વાહનો તથા 50 પ્લાસ્ટિક કેરેટ જપ્ત કર્યા હતા. રેડ દરમિયાન સંડોવાયેલા લોકો અંધારાનો લાભ લઈને ભાગી છૂટ્યા હતા. સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી રાધનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને નાસી છૂટેલા ઇસમોની શોધ તથા વધુ તપાસ એલ.સી.બી. પાટણ દ્વારા ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ