
જામનગર, 1 ડિસેમ્બર (હિ.સ.) : છેલ્લા પાંચ દિવસ દરમ્યાન સીબીઆઇ, ઇન્કમટેકસ, ઇડી બાદ હવે ડાયરેકટર જનરલ ઓફ જીએસટી ઇન્ટેલીજન્ટસ એટલે કે ડીજીજીઆઇ દ્રારા પણ જામનગરમાં ધોંસ બોલાવીને કરોડોનું બોગસ બિલિંગ કૌભાંડ આચરનાર બ્રાસપાર્ટના ઉદ્યોગપતિની ધરપકડ કરવામાં આવી છે, 40 જેટલી બોગસ પેઢીઓ ઉભી કરીને આ ઉદ્યોગપતિ દ્રારા 22 કરોડના બદલે 121 કરોડના બોગસ બીલો બનાવવામાં આવ્યા હોવાનું તપાસમાં ખુલતા જામનગરના ઉદ્યોગ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે, જીએસટીની ટીમ દ્રારા ધરપકડ પામેલા ઉદ્યોગપતિ પાસેથી ચેકબુક, અન્ય દસ્તાવેજ, મોબાઇલ ફોન, કોમ્પ્યુટર વગેરે પણ જ કરવામાં આવ્યા છે.
જીએસટી વિભાગના ડિરેક્ટોરેટ જનરલ ઓફ ઇન્ટેલીજન્ટસના અમદાવાદ ઝોનલ યુનિટએ બાતમીના આધારે ભાવનગર, અમદાવાદ, મુંબઇ, ચંદ્રપુર અને રાજકોટમાં ગુપ્તરાહે તપાસ કરી અંદાજે રૂ.800 કરોડના બોગસ જીએસટી ઇન્વોઇસના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ મસમોટા જીએસટી કૌભાંડમાં ડીજીજીઆઇ દ્રારા બદ્રે આલમ પઠાણ અને તોફીક ખાનની અમદાવાદથી ધરપકડ કરી તેની પુછપરછ હાથ ધરવામાં આવી હતી.
જેમાં તોફીકે વાસ્તવીક રીતે કોઈપણ માલની ખરીદી કર્યા વિના ખોટી વેરાસાખ મેળવવા માટે રૂ. 45 કરોડના નકલી બીલ મેળવ્યાનું ખુલ્યું હતું, આટલું જ નહીં ભાવનગર, મુંબઈ, ચંદ્રપુર, અમદાવાદ, રાજકોટમાં અનેક સ્થળોએ શોધખોળ દરમ્યાન અધિકારીઓએ ઘણી સેલ કંપનીઓની વિગતો જીએસટી નોંધણી સાથે જોડાયેલા મોબાઇલ ફોન, બેન્ક ખાતાની અને રોકડ વ્યવહાર સહિતની વિગતો સાથે અનેક ગુનાહીત સામગ્રી કબ્જે કરી હતી.
આટલું જ નહીં અન્ય કેસમાં ડીજીજીઆઇએ જુનાગઢની ભારત સેનેટરી એન્ડ ફીટીંગના ભાગીદાર હાદિર્ક સંજયભાઇ રાવલની બોગસ જીએસટી બીલ, ખોટી વેરાશાખ મેળવવામાં ધરપકડ કરી હતી, તેમણે કોઇપણ માલની ખરીદી કર્યા વિના 47 નકલી કંપનીએ જાહેર કરેલા 110.57 કરોડ રૂપિયાના બોગલ બીલના આધારે છેતરપીંડી કરી રૂ.28.02 કરોડની વેરાશાખ મેળવ્યાનું ખુલ્યું હતું.
નવાઇની વાત તો એ છે કે જામનગરની પટેલ મેટલ ક્રાટ એલએલપીના ભાગીદાર જયદીપ મુકેશભાઇ વિરાણી કે જે આ સમગ્ર કરોડોના કૌભાંડનો મુખ્ય સુત્રધાર હોવાનું ખુલતા ડીજીજીઆઇએ તેમની પણ ધરપકડ કરી છે, જેના કારણે જામનગરના ઉદ્યોગ જગતમાં ભારે ખળભળાટ સાથે ચકચાર મચી ગઈ છે.
ડીજીજીઆઇની તપાસ દરમ્યાન ચોંકાવનારી વિગતો એ ખુલી છે કે આ કૌભાંડમાં સક્રિય જીએસટી આઇએન ધરાવતી નિષ્ક્રિય કંપનીઓ ખરીદવા આ કંપનીના ડીરેક્ટરો અને સરનામા બદલવા મોટાપાયે નકલી બીલ બનાવવા અને હવાલા તથા અન્ય સંવેદનશીલ રેકર્ડ દ્રારા બેંકિંગ વ્યવહારો અને રોકડની હેરફેર કરવામાં આવતી હતી. આગળની તપાસમાં વધુ ચોંકાવનારી વિગતો ખુલશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt