

પાટણ, 1 ડિસેમ્બર (હિ.સ.)પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પુસ્તકાલય દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાજયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગીતા આધારિત પુસ્તકોનું આકર્ષક પ્રદર્શન પણ યોજાયું હતું. કાર્યક્રમમાં પ્રો. દેવુસિંહ રાઠવા, કુલસચિવ ડો. રોહિત દેસાઈ તેમજ અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્કૃત વિભાગના અધ્યક્ષ પ્રો. દેવુસિંહ રાઠવાએ જણાવ્યુ હતું કે ગીતા કોઈ માત્ર ધાર્મિક ગ્રંથ નહિ પરંતુ માનવજાતને મનુષ્યત્વ તરફ દોરી જતી માર્ગદર્શિકા છે. તેમણે ‘વસુધૈવ કુટુંબકમ’ના ભાવને સમજાવતાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષના આધારરૂપ ગીતા-તત્વનું મહત્વ રજૂ કર્યું હતું.
પ્રો. રાઠવાએ આગળ કહ્યું હતું કે ગીતા આત્માને પરમાત્મા તરફ દોરી જતી શાશ્વત વિદ્યા છે. સંસ્કૃત ભાષા સમજવાથી ભારતીય સંસ્કૃતિના ગૂઢાર્થને પામવાનો માર્ગ સુગમ બને છે. તેમણે વેદ, બ્રાહ્મણ ગ્રંથ, અરણ્યક તથા ઉપનિષદોના જ્ઞાન પર પણ પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે ગીતાનો પ્રથમ અક્ષર ‘ધ’ તથા છેલ્લો ‘મ’ મળીને ‘ધર્મ’નો મર્મ દર્શાવે છે.
કુલસચિવ ડો. રોહિત દેસાઈએ વિદ્યાર્થીઓને ગીતા જયંતીનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે ગીતા દરેક પરિસ્થિતિમાં માર્ગદર્શન આપી શકે એવું શાશ્વત જ્ઞાન છે. તે માનસિક તણાવ તથા નકારાત્મકતા દૂર કરવામાં મદદરૂપ થાય છે, તેથી વિદ્યાર્થીઓએ તેનું અભ્યાસ કરવો જોઈએ. કાર્યક્રમમાં ‘બોલતી ગીતા’ સહિતના અનેક પુસ્તકો આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં અને યુનિવર્સિટીના અધિકારીઓ, અધ્યાપકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ