
સુરત, 11 ડિસેમ્બર (હિ.સ.) શહેરના ભટાર વિસ્તારમાં રહેતી યુવતીને તેના જ વિસ્તારમાં રહેતો એક યુવક એક તરફી પ્રેમ કરતો હતો. જેથી યુવક તેને પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો પરંતુ યુવતીની બીજી જગ્યા પર સગાઈની વાત ચાલુ હોવાથી તેના તાબે થઈ ન હતી. જેથી આ વાતની અદાવત રાખી યુવતીનો અવારનવાર પીછો કરી તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી યુવક છરો લઈને તેના ઘરમાં ઘૂસી ગયો હતો અને ધાક ધમકી આપી હતી. જેથી આખરે તેમના પરિવારજનોએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના ભટાર વિસ્તારમાં આવેલ આઝાદ નગર ગોકુલ નગર સોસાયટીમાં રહેતા રોહિત ઉર્ફે ટલ્લો જયેશ રાઠોડ નામના યુવક સામે છેડતીનો ગુનો નોંધાવા પામ્યો છે. ખટોદરા પોલીસ મથકના ભટાર વિસ્તારમાં જ રહેતી એક યુવતી રોહિતને ગમી ગઈ હતી. જેથી તેની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો પરંતુ યુવતીએ તેમની સાથે પ્રેમ સંબંધ રાખવાની ના પાડી હતી. જેના કારણે રોહિત અવારનવાર તેનો પીછો કરી તેને હેરાન પરેશાન કરતો હતો. એટલું જ નહીં પરંતુ એકવાર ઘરમાં ઘુસી યુવતીનો હાથ પકડી લઈ તેની છેડતી પણ કરી હતી. આ દરમિયાન યુવતીની મરાઠી યુવક સાથે સગાઈની વાત ચાલુ હતી ત્યારે પણ રોહિતને આ વાત પસંદ નહીં આવતા તેમણે યુવતીના ઘરમાં ઘૂસી જઈ તેનો હાથ પકડી ખેંચી હતી પરંતુ પરિવારજનોએ ત્યારે પણ બચાવી લીધી હતી. પરંતુ ત્યારબાદ પણ રોહિત ઘાતક મોટો છરો લઈ યુવતીના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેની સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી આખરે ગભરાઈ ગયેલા તેમના પરિવારજનોએ ગતરોજ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મોડી રાત્રે રોહિત ઉર્ફે ટલ્લોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે