
સુરત, 11 ડિસેમ્બર (હિ.સ.) : કતારગામ, સિંગણપોર ચાર રસ્તા વિસ્તારમાં રહેતા ૫૨ વર્ષીય મહિલા વેપારીને ભેજાબાજે વોટ્સઅપ ઉપર આરટીઓની ઈ-ચલણની ઍપીકે ફાઈલ મોકલી હતી. આ ફાઈલ ઓપન કરવાની સાથે જ મહિલા વેપારીનો મોબાઈલ હેક કરી ભેજાબાજે 14 તબક્કામાં તેમના બેન્કના ખાતામાંથી રૂપિયા 2.99 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા.
ભાલચંદ્ર નગર સોસાયટી, સિંગણપોર ચાર રસ્તા, કતારગામ ખાતે રહેતા અને વેપાર ધંધા સાથે સંકળાયેલા ગીતાબેન મનસુખભાઈ ભાદાણી (ઉ.વ.52) ગત તા 7 ઓક્ટોબરના રોજ સાંજે છ વાગ્યાના આરસામાં ઘરે હતા તે વખતે અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી તેમના મોબાઈલના વોટ્સઅપ ઉપર ડીજીટલ આરટીઓ ઈ-ચલણની ઍપીકે ફાઈલ આવી હતી. ગીતાબેનઍ આ ફાઈલ ડાઉનલોડ કરવાની સાથે જ તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો. ત્યારબાદ ભેજાબાજે તેમની જાણ બહાર તેમના ઍચડીઍફસી બેન્કના ખાતામાંથી 4 તબક્કામાં કુલ રૂપિયા 2,99,342 ટ્રાન્સફર કરી લીધા હતા. ગીતાબેનને તેમની સાથે ઓનલાઈનના માધ્યમથી છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખ્યાલ આવતા ગતરોજ કતારગામ પોલીસમાં ફરિયાદ નોધાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે