ગાંધીનગર એફએસએલમાં ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ શરૂ, મેડિકલ તપાસ પૂર્ણ
ગાંધીનગર, 11 ડિસેમ્બર (હિ.સ.) : ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહના પુત્ર અને રાજકુમાર જાટના ચકચારી કેસમાં આરોપી ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ આજે ગાંધીનગરમાં શરૂ થયો હોવાનું જાણવા મળ્યું છે. ટેસ્ટ પહેલાં ગણેશ ગોંડલની જરૂરી મેડિકલ તપાસ પૂર્ણ કરી દેવામાં આવ
ગાંધીનગર એફએસએલમાં ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ શરૂ, મેડિકલ તપાસ પૂર્ણ


ગાંધીનગર, 11 ડિસેમ્બર (હિ.સ.) : ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહના પુત્ર અને રાજકુમાર જાટના ચકચારી કેસમાં આરોપી ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ આજે ગાંધીનગરમાં શરૂ થયો હોવાનું જાણવા મળ્યું છે. ટેસ્ટ પહેલાં ગણેશ ગોંડલની જરૂરી મેડિકલ તપાસ પૂર્ણ કરી દેવામાં આવી હતી.

હાલમાં રાજકુમાર જાટ કેસની સમગ્ર તપાસ સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુની દેખરેખ હેઠળ ચાલી રહી છે. તપાસના આ નવા તબક્કા બાદ કેસમાં વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા છે.

5 ડિસેમ્બરે રાજકોટની કોર્ટે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી

ગત 9 માર્ચે, 2025ના રોજ ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ(માતા ધારાસભ્ય) પર રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાનો તેના પિતા રતનલાલ જાટે આક્ષેપો કર્યા હતા. માર માર્યા બાદ રાજકુમાર જાટનો રાજકોટ અમદાવાદ હાઇવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પર મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં 5 ડિસેમ્બરે રાજકોટની કોર્ટે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી. જેને પગલે હવે ગણેશ ગોંડલનો આજે 11 ડિસેમ્બરે ગાંધીનગરમાં નાર્કો ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો છે.આ નાર્કો ટેસ્ટ માટે ગણેશ ગોંડલને ગાંધીનગર ખાતે આવેલી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી(FSL) ખાતે લાવીને 9 ડિસેમ્બરથી તેની મેડિકલ પ્રોસેસ શરૂ થઈ છે અને આજે નાર્કો ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો છે.

9 માર્ચે રાજકુમાર જાટના મૃતદેહની ઓળખ થયા બાદ 14 માર્ચે તેનું મોત ટ્રાવેલ્સની અડફેટે આવવાથી થયું હોવાનો રાજકોટ પોલીસે ખુલાસો કર્યો હતો. તે સમયે એટલે કે 14 માર્ચ, 2025ના રોજ રાજકોટ ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, યુવાનનું આઈડેન્ટિફિકેશન તારીખ 9ના થયું હતું. આઇડેન્ટિફિકેશન થયા બાદ ફરિયાદીની ફરિયાદ લઈને ફેટલ એક્સિડન્ટનો ગુનો સૌપ્રથમ દાખલ કરવામાં આવ્યો હતો. ફેટલ એક્સિડન્ટનો ગુનો અનડિટેક્ટ હોવાથી અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી.

આ બનાવ ખૂબ જ ચર્ચાસ્પદ થયેલો હોવાથી પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા અને અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા દ્વારા અલગ અલગ ટીમો બનાવવાની સૂચના આપી હતી. જેના આધારે SOG, કુવાડવા રોડ પોલીસ મથક, એલસીબી ઝોન-1 એમ અલગ અલગ ટીમો બનાવીને વિવિધ સ્થળોએ સતત ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ સિનિયર અધિકારીઓ કે જેમાં પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર, ઝોન-1 અને અમારા દ્વારા સ્થળની વિઝીટ કરવામાં આવી હતી. જે વિઝીટ કરીને કયા સમયગાળા દરમિયાન આ બનાવ બની શક્યો હોય તે જોવામાં આવ્યું હતું.

આપણી પાસે એક સમયગાળો હતો કે, આશરે 2.15થી 2.30 વાગ્યા દરમિયાન બનાવ બન્યો હોઈ શકે છે.

આ બનાવ બન્યાની સંભાવનાને ધ્યાનમાં રાખીને એ સમયગાળા દરમિયાન કયા કયા વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા છે તેની તપાસ હાથ ધરવામાં આવી અને 150થી વધુ CCTV કેમેરા ચારથી પાંચ કિલોમીટરના વિસ્તારમાં ચકાસવામાં આવ્યા. આ બધા સીસીટીવી કેમેરાની ચકાસણી ચાલુ હતી ત્યારે એક ડમ્પરચાલક દ્વારા માહિતી મળી કે, તે જ્યારે 2.33 વાગ્યા આસપાસ પસાર થાય છે તેની પહેલા ત્યાં મૃતદેહ પડેલો હતો. તે ધ્યાનમાં રાખીને અને કઈ બસ તેની આગળ ચાલતી હતી. તેની માહિતી મેળવી આગળની તપાસ હાથ ધરી હતી. ત્યારે મહાસાગર ટ્રાવેલ્સની 3131 નંબરની બસ શંકાસ્પદ જણાઈ હતી.

શંકાસ્પદ બસના આધારે તેની ટ્રીપની માહિતી મેળવી ડ્રાઇવર કોણ હતું તેની માહિતી મેળવી અને આગળ જૂનાગઢ પોલીસની મદદ લઈને તે ડ્રાઇવરની પૂછપરછ હાથ ધરવામાં આવી અને પૂછપરછના અંતે તે ડ્રાઈવર દ્વારા રાત્રિનો સમય હોવાથી બ્રિજથી તે નીચે ઉતરતા હતા. તે જ સમયે આ વ્યક્તિ રસ્તાની વચ્ચે ચાલ્યો જતો હતો અને આંખ પર પ્રકાશ પડતા ભૂલથી તેનાથી એક્સિડન્ટ થઈ ગયું તેવી કબૂલાત આપવામાં આવી હતી. આ કબૂલાતના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી. સાથે અન્ય સાહેદોના નિવેદનો લેવા માટેની તજવીજ કુવાડવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. બસની ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી છે. આ બાબતે બીજું કોઈ એંગલ છે કે કેમ તેની તપાસ પણ રાજકોટ શહેર પોલીસ દ્વારા આગામી દિવસોમાં કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande