
મહેસાણા, 11 ડિસેમ્બર (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં બાળસુરક્ષા અને સમાજ વ્યવસ્થાને લઈને ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગે એપ્રિલ 2025 થી ડિસેમ્બર 2025ના દરમ્યાન થયેલ તપાસમાં કુલ 341 સગીર કિશોરીઓ ગર્ભવતી હોવાનું બહાર પાડ્યું છે. 13 થી 17 વર્ષની નાજુક ઉંમરે ગર્ભધારણના વધતા કેસો સમાજ માટે ગંભીર સંકેત છે.
વયજૂથ પ્રમાણે આંકડા ચિંતાજનક છે—14 વર્ષની 02, 15 વર્ષની 34, 16 વર્ષની 76 અને 17 વર્ષની 229 કિશોરીઓ ગર્ભવતી મળી આવી. આ બધા કેસોમાં મોટાભાગે સામાજિક અજ્ઞાન, શિક્ષણનો અભાવ, અપરિપક્વ લગ્ન અને પરિવારીક અવગણના જેવા કારણો જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
તાલુકા મુજબ જોતા કડીમાં 88 અને મહેસાણા તાલુકામાં 80 કેસ નોંધાતા આ બે તાલુકા સૌથી વધુ અસરગ્રસ્ત સાબિત થયા છે. આ આંકડા સમાજ માટે લાલબત્તી સમાન છે અને બાળસુરક્ષાના મુદ્દે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
જિલ્લા આરોગ્ય વિભાગે તમામ 341 સગીર ગર્ભવતી કિશોરીઓને વિશેષ તબીબી દેખરેખ હેઠળ રાખી પોષણ, સલાહ અને જરૂરી સારવાર પૂરી પાડવાની પ્રક્રિયા શરૂ કરી છે. સગીર વયે ગર્ભધારણ માતા અને બાળક — બંનેના સ્વાસ્થ્ય માટે જોખમી હોય છે, તેથી આ મુદ્દે તાત્કાલિક જાગૃતતા અને કાર્યરત પગલાં લેવાની આવશ્યકતા વ્યક્ત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR