
સુરત, 11 ડિસેમ્બર (હિ.સ.) : અઠવાલાઈન્સ વિસ્તારમાં રહેતા યુવકને સિગ સુસ્કેહાન્ના ઈન્ટરનેશનલ કંપનીના સ્ટોક એડવાઈઝર તરીકે માફિયાઓ કોલ કરી શેર ટ્રેડીંગમાં રોકાણ કરવાની લોભામણી લાલચ આપી વિશ્વાસમાં લઈ તેમની પાસેથી રૂપિયા 1.36 કરોડ ઓનલાઈન પડાવી લીધા હતા.
સાયબર ક્રાઈમ પોલીસના જણાવ્યા મુજબ અઠવાલાઈન્સ, ગોકુલમ ડેરી રોડ આદર્શ સોસાયટીમાં રહેતા ગૌતમભાઈ ક્રુષ્ણકાંત પૂરોહિત અોનલાઈન સાયબર ક્રાઈમ ફ્રોડનો શિકાર બન્યા છે. સાયબર માફિયાઓઍ તેમની પાસેથી જુલાઈ 2025 થી 31 નવેમ્બર 2025 સુધીમાં શેર ટ્રેડીંગમાં રોકાણના બહાને રૂપિયા 1,36,65,720 અલગ અલગ બેન્કના ખાતામાં ટ્રાન્સફર કરી પડાવ્યા હતા. માફિયાઓ પહેલા તેમને સિગ સુસ્કેહાનના ઈન્ટરનેશનલ કંપનીમાંથી અલગ અલગ મોબાઈલ નંબર પરથી કોલ કરી પોતાની ઓળખ સ્ટોક ઍડવાઈઝર તરીકે દિપક મલ્હોત્રા તરીકે આપી હતી. ફેસબુકમાં કંપની ટ્રેડીંગ માટેની ખોટી જાહેરાતો મુકી તેમજ બોગસ ઈલેકટ્રોનીક કુટલેખનવાળી વેબસાઈટ લીંક મોકલી હતી.આ બોગસ લીંક ઉપર ગૌતમભાઈઍ ક્લીક કરતા સિગ સુસ્કેહાનના ઈન્ટરનેશનલ કંપની નામની ઍપ્લીકેશન ડાઉનલોડ કરાવી તેમાં તેમના આઈ.ડી બનાવી હતી ત્યારબાદ તેમની પાસે અલગ અલગ કંપનીના શેર ટ્રેડીંગ પેટે અલગ અલગ બેન્ક ઍકાઉન્ટમાં ટુકડે ટુકડે કરી કુલ રૂપિયા 1,36,65,720 ટ્રાન્સફર કરાવ્યા હતા. ટોળકીઍ ગૌતમભાઈ પુરોહિત પાસે પૈસા ટ્રાન્સફર કરાવી લીધા બાદ શેર ટ્રેડીંગ માટે રોકાણ કરેલા તેમજ નફા પેટેના રૂપિયા પરત નહી આપી તેમની સાથે છેતરપિંડી કરી હતી. સાયબર ક્રાઈમ પોલીસે ગૌતમભાઈ પુરોહિતની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે