
- 12થી વધુ પ્રદૂષકોનું રિયલ-ટાઈમ ડેટા રેકોર્ડ કરે
- અમદાવાદની 6 ઉદ્યોગ સંસ્થાઓને કારણદર્શક નોટિસ
અમદાવાદ, 11 ડિસેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકાર તરફથી રાજ્યમાં હવા અને પાણીની ગુણવત્તા મોનિટરિંગને વધુ સક્ષમ બનાવવા માટે એન્વાયરમેન્ટ ડેમેજ કંમ્પેનસેશન ફંડ હેઠળ રાજ્યમાં રૂ. 5.76 કરોડથી વધુના ખર્ચે બે અદ્યતન ‘પર્યાવરણીય મોનિટરિંગ મોબાઇલ વાન’ શરૂ કરવામાં આવી છે. હાલમાં એક વાન કલોલ જીઆઇડીસી અને બીજી અંકલેશ્વર જીઆઇડીસી જિલ્લામાં કામગીરી બજાવી રહી છે.
આ બે વાન દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓ આવરી લેવાયા છે.
એક વાન ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં અને બીજી વાન દક્ષિણ તથા મધ્ય ગુજરાત વિસ્તારમાં જીપીસીબી ની પ્રાદેશિક કચેરીઓ હેઠળ સતત હવા તેમજ પાણીનું મોનિટરિંગ કરી રહી છે.
વાનમાં સ્થાપિત “કન્ટિન્યુઅસ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન” PM10, PM2.5, SO₂, NOx, CO, ઓઝોન સહિતના હવાના મુખ્ય 12થી વધુ પ્રદૂષકોનું રિયલ-ટાઈમ ડેટા રેકોર્ડ કરે છે. સાથે VOCs, નોઈસ મીટર અને પાણી-ગંદાપાણીના નમૂનાઓની તપાસ માટે ઉપકરણો પણ લગાવવામાં આવ્યાં છે.
ગેસ લીક જેવી આપાતકાલીન પરિસ્થિતિમાં આ વાન ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક પર્યાવરણીય સ્થિતિનું મૂલ્યાંકન કરે છે. ઉદ્યોગ વિસ્તારોમાં પ્રદૂષણ નિયંત્રણ માટે આ વાનને નિર્ણાયક ગણવામાં આવી રહ્યું છે.
પ્રાદેશિક કચેરી, અમદાવાદ-પૂર્વ હેઠળ વટવા, ઓઢવ, નરોડા, નારોલ સહિતના ઉદ્યોગ વિસ્તારોમાં હવાનું વિશ્લેષણ હાથ ધરાયું હતું. તેના આધારે નીચેની 6 સંસ્થાઓને જીપીસીબી દ્વારા કારણદર્શક નોટીસ આપવામાં આવી છે.
વટવા ઇન્ડસ્ટ્રીઝ એસો.,નારોલ ટેક્સટાઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્વાયરો મેનેજમેન્ટ,નરોડા ઇન્ડસ્ટ્રીઝ એસો.,ઓઢવ ઈન્ડસ્ટ્રીઝ એસો.,કઠવાડા ઇન્ડસ્ટ્રીઝ એસો.,ગુજરાત વેપારી મહામંડળ સહકારી ઔદ્યોગિક વસાહત લિમિટેડ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા રાજય મંત્રી પ્રવીણ માળીના માર્ગદર્શન હેઠળ જીપીસીબી સતત પ્રદૂષણ નિયંત્રણ, નિયમન અને જાગૃતિ માટે મક્કમ પ્રયત્નો કરી રહ્યું છે. ‘સ્વચ્છ હવા એ સૌનો અધિકાર’ના સૂત્રને સાકાર કરવા આ મોબાઈલ વાન રાજ્યમાં પર્યાવરણ સુરક્ષા માટે ગેમ-ચેન્જર બને તેવી આશા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ