
અમદાવાદ,11 ડિસેમ્બર (હિ.સ.) : અમદાવાદ (ગ્રામ્ય) જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને અમદાવાદ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના સંયુક્ત ઉપક્રમે દિલ્હી પબ્લિક સ્કૂલ, બોપલ ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં સેવા નિવૃત્ત થયેલા કર્મચારીઓનું સન્માન, 100% પરિણામ લાવનાર શિક્ષકોનું અભિવાદન, અને ફિક્સ પે પૂરો કરનારા શિક્ષકોને પૂરા પગારના નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ ત્રિવેણી સંગમ સન્માન સમારોહમાં રાજ્યના શિક્ષણ મંત્રી અને પૂર્વ શિક્ષણ મંત્રીએ શિક્ષકોને રાષ્ટ્ર નિર્માણ અને વિકસિત ભારતના મિશનમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.સમારોહના મુખ્ય મહેમાન અને શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે,આ વિદાય સમારોહ નથી,
પરંતુ લાંબા સમયની સેવાના સન્માનનો સમારોહ છે.તેમણે સન્માનિત થનારા શિક્ષકોને સંબોધતા કહ્યું હતું કે,તમે વય નિવૃત્ત ભલે થયા હો, પરંતુ સેવા હજુ ચાલુ રાખવાની
છે. શિક્ષક અને ડોક્ટરની સેવા હંમેશા સમાજ માટે ચાલુ જ રહે છે.તેમણે શિક્ષકના મહિમાને ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ.શ્લોકથી નિરૂપિત કર્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, શિક્ષક રિટાયર્ડ થાય તો પણ ટાયર્ડ ન થાય તેવો હોય છે.
નિવૃત્ત થયેલા શિક્ષકોના અનુભવો આગામી પેઢી માટે માર્ગદર્શક બની રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી. શિક્ષણ મંત્રીએ વિકસિત ભારતના લક્ષ્ય પર પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે ધોરણ 10 અને 12માં શાળાનું પરિણામ 100 ટકા લાવનારા આચાર્યોનું સન્માન એ ઉત્તમ શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે ફિક્સ પે પૂરો કરનારા શિક્ષકોને ફૂલ પગારના નિમણૂક પત્રો એનાયત થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યુંહતું કે આ તેમને તેમના શિસ્ત, સંકલ્પ અને પ્રતિબદ્ધતાના કાર્યનો શિરપાવ છે.
અંતમાં, એક ડોક્ટરના નાતે, તેમણે શિક્ષકોને શિક્ષણની સાથે સમાજના આરોગ્ય માટે જાગૃતતા લાવવા અને બાળ મૃત્યુદર,માતા મૃત્યુદર વગેરેમાં ઘટાડો લાવવા માટે પણ ગ્રામ્ય કક્ષાએ ભૂમિકા ભજવવા અપીલ કરી હતી. તેમણે નેશનલ એજ્યુકેશન પોલીસી (NEP)ના અમલમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ દેશને વિકસિત બનાવવાના સંકલ્પ પર ભાર મૂક્યો હતો.
તેમણે કહ્યું કે ભારત હજુ પણ વિકાસશીલ દેશમાં ગણાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવા માટેનું જે મિશન આપ્યું છે, તેમાં આપણા સૌની મહેનત લાગશે અને તેના લાભાર્થી આપણી આવનારી પેઢી બનશે.
ચુડાસમાએ કોરોના સમયગાળા દરમિયાન ભારતે દવાઓ અને કોવિડ વેક્સિન બનાવીને આત્મનિર્ભર ભારતનો મંત્ર સાબિત કર્યો તે વાતની નોંધ લીધી હતી અને જણાવ્યું હતું કે આ પ્રયાસોના પરિણામે દેશનું અર્થતંત્ર 11મા સ્થાનેથી 4થા સ્થાને પહોંચ્યું છે.
નિવૃત્ત થયેલા શિક્ષકોને તેમણે એક મહત્વનો સંદેશ આપ્યો ચેન્જ ઓફ વર્ક ભલે લાવો, પરંતુ જીવનમાં સતત પ્રવૃત્તિમય રહેજો.તેમણે દેશ હમે દેતા હૈ સબ કુછ, હમ ભી કુછ દેના શીખે પંક્તિને ટાંકીને સ્વદેશી અપનાવવાનો અને હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના માર્ગે ચાલીને આત્મનિર્ભર ભારતને મજબૂત બનાવવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. આ અવસરે જિલ્લમાં કાર્યરત શિક્ષકોની બહોળી હાજરીથી નિવૃત્ત થતા કર્મચારીઓનું સન્માન અને ઉત્સાહ અનેકગણો વધ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ