


પોરબંદર, 15 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે માર્ચ 2025 ના સમયગાળાની ડિસ્ટ્રિક્ટ કન્સલ્ટેટિવ કમિટી (DCC), ક્રેડિટ ડિપોઝિટ રેશિયો (CD Ratio) અને ડિસ્ટ્રિક્ટ લેવલ રિવ્યૂ કમિટી (DLRC) ની સંયુક્ત બેઠક યોજાઈ હતી.
આ બેઠક દરમ્યાન જિલ્લામાં નવી ઓપન થયેલ બેંક, નવા ઓપન થયેલ એટીએમ, એમએસએમઈ યોજનાઓ, સીડીઆર રેશિયો, પાક ધિરાણ, શિક્ષણ તેમજ હાઉસિંગ ક્ષેત્રે કામગીરી, જિલ્લામાં વિવિધ વિકાસાત્મક યોજનાઓ, સરકારી લોન યોજનાઓ, લઘુમતી માટે લોન, વ્યાજ સહાય યોજનાઓ અને રેવેન્યુ રિકવરી કેસ અંગે વિસતૃત સમીક્ષા કરવામાં આવી હતી.
તેમજ પીએમએમવાય, પીએમઇજીપી, રાજ્યસરકારની વિવિધ યોજનાઓ જેમકે વાજપાઇ બેન્કેબલ યોજના, જ્યોતિ ગ્રામોધોગ વિકાસ યોજના, વ્યાજ સહાય યોજના, પીએમ સ્વાનિધી, એનયુએલએમ, એનિમલ હસબન્ડરી, ફિશરીઝ, પીએમ વિશ્વકર્મા, સહિતની યોજનાઓની અમલીકરણ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણી દ્વારા સ્થાનિક સ્તરે લોન સહિતની બેન્કિંગ પ્રક્રિયામાં સ્વ સહાય જૂથ અને લોકોને પડતી હાલાકી અંગે માહિતી મેળવીને તાત્કાલિક નિવારણ માટે સૂચના આપી હતી. બેઠક દરમ્યાન સંયુક્ત ઉદ્યોગ કમિશનર અને પોરબંદર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર ડી. આર. પરમારે જિલ્લાની તમામ બેંકના પ્રતિનિધિઓને આગામી સમયમાં જિલ્લા સ્તરીય વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટના કાર્યક્રમમાં સહભાગી થવા જણાવ્યું હતું.
નાબાર્ડના ડીડીએમ શીતલ શ્રીવાસ્તવ દ્વારા સરકારના નવા લક્ષ્યાંકો અને જિલ્લામાં નવી શક્યતાઓ અંગે જાણકારી આપી હતી. તેમજ આરબીઆઈના એજીએમ સચિન પાટીદાર દ્વારા આંકડાકીય માહિતી સાથે આરબીઆઈની ગાઇડલાઇન અંગે ચર્ચા કરી હતી.આ બેઠકમાં ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા, એલડીએમ કિરણકુમાર બારોટ, પોરબંદર આરસેટી ડાયરેક્ટર રમેશચંદ્ર મીના સહિત જિલ્લાની વિવિધ બેન્કિંગ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સહકારી બેંકોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya