
જામનગર, 16 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર નજીક વનતારાનું નિર્માણ થયા બાદ તેને નિહાળવા માટે દેશભરના બોલિવૂડ, રમતગમત અને રાજકીય તેમજ ઉદ્યોગ ક્ષેત્રના આગ્રણીઓ જામનગરના મહેમાન બની રહ્યા છે. અત્યાર સુધીમાં અનેક અગ્રણીઓ અજાયબી સમાન વનતારા નિહાળી ચૂક્યા છે. આવા સિલસિલા વચ્ચે સોમવારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સી તેમના મિત્ર અને સ્ટ્રાઈકર લુઈસ સુઆરેઝ સાથે સાંજે જામનગર પહોંચ્યા હતા.
વિશ્વ જગતના સૌથી લોકપ્રિય ખેલાડી એવા આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લાયનોલ મેસીનું જામનગરમાં આગમન થતાં તેમના ચાહકો માટે ઐતિહાસિક ક્ષણ સમાન ઘટના હતી. ગઈકાલે સાંજે જામનગર એરપોર્ટ ખાતે આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સીનું આગમન થયું હતું. બાદમાં લોખંડી પોલીસ બંદોબસ્ત સાથે તેઓ રિલાયન્સના વનતારા પ્રોજેક્ટની મુલાકાત લેવા માટે વિશાલ કારના કાફલા સાથે રવાના થયા હતા.
બાદમા લિયોનેલ મેસ્સીએ તેમના મિત્ર સુઆરેઝ સાથે વનતારા માં પહોચતા ઉદ્યોગપતિ અનંત અંબાણી અને પરિવાર દ્વારા તેઓને આવકાર આપવામાં આવ્યો હતો. વિશેષ મહેમાન બની વનતારા ખાતે રાત્રી રોકાણ પણ કર્યું હતું.
વધુમાં આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન ફુટબોલના જાદુગર લિયો મેસ્સીએ જામનગરમાં વનતારાના સ્ટાફ સાથે સાદગીપૂર્ણ મુલાકાત કરી હતી. જે અંગેની તસવીર સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી છે. વનતારા નિહાળ્યાં બાદ ફૂટબોલર મેસ્સી આજે સવારે જામનગર વિમાન મથકેથી પરત જવા રવાના થયા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt