


પોરબંદર, 15 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા કેન્દ્ર સરકાર પ્રેરિત બેટી બચાઓ બેટી પઢાવો યોજના અંતર્ગત ભાવસિંહજી હાઈસ્કૂલ, પોરબંદર તથા કડિયા પ્લોટ પ્રાથમિક શાળા, પોરબંદર ખાતે લૈંગિક ગુનાઓથી બાળકોનું રક્ષણ અધિનિયમ, 2012 (POCSO Act) અંગે જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમ્યાન જિલ્લા બાળ સુરક્ષા એકમના કાઉન્સેલર રૂપલ ભટ્ટ દ્વારા વિદ્યાર્થીનીઓને POCSO એક્ટની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમણે ‘સેફ ટચ’ અને ‘અનસેફ ટચ’ વચ્ચેનો તફાવત સરળ ઉદાહરણો દ્વારા સમજાવ્યો હતો, જેથી બાળિકાઓ અજાણી અથવા જોખમી પરિસ્થિતિઓને ઓળખી શકે અને પોતાનું રક્ષણ કરી શકે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું સફળ સંચાલન “સંકલ્પ”–DHEW ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાનાં આચાર્યશ્રી તેમજ સ્ટાફગણ દ્વારા કાર્યક્રમમાં સક્રિય સહકાર આપવામાં આવ્યો હતો. આવા જાગૃતિ કાર્યક્રમો બાળ સુરક્ષા અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા તેમજ કાયદાકીય માહિતી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ પ્રસંગે “સંકલ્પ”–DHEW ના ડિસ્ટ્રિક્ટ મિશન કોઓર્ડિનેટર ડો. સંધ્યા જોશી, જેન્ડર સ્પેશિયાલિસ્ટ ચિરાગ દવે, ફાઇનાન્સ લિટરેસી અધિકારી સૌરભ મારું તથા શાળાનાં આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya