

- નવ પદવીધારકો પોતાના જ્ઞાનનો ઉપયોગ વિશ્વના કલ્યાણ અને ભલાઈ માટે કરે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
- વડાપ્રધાનના વિકસિત ભારત @૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવા યુવાનો સહિત નાગરિકો પોતાની ફરજોનું ઈમાનદારીથી પાલન કરી સહયોગ આપે
- રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ દ્વારા ફળ,શાકભાજી અને અન્ય કૃષિ ઉત્પાદનો વેચાણ માટે અમૂલ મોડલ લાગુ કરવામાં આવી રહ્યું છે: એન.ડી.ડી.બી ના ચેરમેન ડો.મિનેશ શાહ
- 16963 વિદ્યાર્થીઓને વિવિધ વિધાશાખામાં પદવી એનાયત
આણંદ,15 ડિસેમ્બર (હિ.સ.) રાજયપાલ આચાર્ય દેવવ્રતએ નવ પદવીધારકોને પોતાના જ્ઞાનનો ઉપયોગ વિશ્વના કલ્યાણ અને ભલાઈ માટે કરવા અનુરોધ કર્યો હતો. અજ્ઞાન, અભાવ અને અન્યાયથી મુક્ત કરાવે તે સાચી વિદ્યા છે તેમ જણાવતા રાજ્યપાલએ શુદ્ધ અને પવિત્ર ભાવ સાથે સમાજમાં સામાજિક પરંપરાઓ સાથે જ્ઞાનનો પ્રકાશ ફેલાવવા શીખ આપી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને @2047 સુધી વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ કર્યો છે. વડાપ્રધાનના આ સ્વપ્નને સાકાર કરવા યુવાનો સહિત નાગરિકો પોતાના અધિકાર સાથે ફરજોનું પણ ઈમાનદારીથી પાલન કરી સહયોગ આપવા જણાવ્યું હતું.
સરદાર પટેલ યુનિવર્સિટીનો 68મો પદવીદાન સમારોહ આજે રાજયપાલઅને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતએ વિવિધ વિદ્યાશાખાના 16963 વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની પદવી તથા 75 તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે 103 સુવર્ણચંદ્રક એનાયત કર્યા હતા.
રાજ્યપાલના હસ્તે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા પદવીધારકોને ડીજી લોકરમાં ઓનલાઈન પદવી પ્રમાણપત્ર ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા. રાજ્યપાલ એ 22 ભારતીય અને 30 આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં તૈયાર કરવામાં આવનાર સરદાર યુનિટી ક્વિઝનુ ડીઝીટલી અનાવરણ કર્યું હતું.
સરદાર પટેલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારંભમાં સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રેરક બળ અને વૈશ્વિક નેતૃત્વ પૂરું પાડનાર પૂજ્ય દીદીજી (શ્રીમતી જયશ્રી ઉર્ફે ધન આઠવલે તલવલકર) ને તેમના અપ્રતિમ સામાજિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક યોગદાન બદલ તેમજ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અનુપમ મિશનના સ્થાપક જશભાઈ શંકરભાઈ પટેલ (ગુરુહરિ સંતભગવંત પૂજ્ય સાહેબજી) ને તેમના અનોખા આધ્યાત્મિક અને સામાજિક યોગદાન બદલ 'Doctor of Letters' (D.Litt.) માનદ પદવીથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે વિભૂષિત કરવામાં આવ્યા હતા.
રાજ્યપાલએ ઉમેર્યું હતું કે,આપણી ઋષિ અને ગુરુકુળ પરંપરામાં માનવીય જીવન મૂલ્યો, સંસ્કાર, માનવતા અને આધ્યાત્મિકતાનું શિક્ષણ આપવામાં આવતું હતું.
રાજ્યપાલ આધુનિક યુગમાં માનવીને માનવતાવાદી, પરોપકાર,રાષ્ટ્ર પ્રત્યે જવાબદાર વ્યવહાર, ધાર્મિક પરંપરાઓ સાથે સત્ય, ઈમાનદારી, પ્રેમ, કરુણા અને દયા સહિત મન અને કર્મની સાથે અંતર આત્માને પવિત્રતા આપે એવા શિક્ષણની હિમાયત કરી હતી.
રાજ્યપાલશ્રીએ સ્વસ્થ અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે પ્રાકૃતિક ખેત પદ્ધતિઓ અપનાવવા જણાવ્યું હતું. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા હાલોલમાં પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. જે પ્રાકૃતિક કૃષિ અંગે વિવિધ સંશોધનો સાથે મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી જમીન બિનઉપજાઉ થવા સાથે કેન્સર,હૃદય રોગ સહિત વિવિધ પ્રકારની બીમારીઓ ફેલાઈ રહી છે. એટલું જ નહીં ગાય ભેંસના દૂધમાં યુરિયા અને પીવાના પાણીમાં પણ નાઈટ્રેટની માત્રા વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે. આ તમામ સમસ્યાઓનું સમાધાન એક માત્ર પ્રાકૃતિક ખેતી છે. પ્રાકૃતિક ખેતી શુદ્ધ સૂક્ષ્મ જીવાણુઓથી થતી ખેતી છે તેમ જણાવતા રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી કૃષિ ઉત્પાદન ઓછું થતું નથી એવું રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓના સંશોધનમાં પુરવાર થયું છે.
ગુજરાતમાં આજે આઠ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. જો દેશના મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તો દેશના અંદાજે રૂપિયા બે લાખ કરોડ વિદેશમાં જતા બચશે તેમ રાજ્યપાલએ જણાવ્યું હતું.
રાજ્યપાલએ કહ્યું કે, નવી શિક્ષણ નીતિ - 2020 દ્વારા દેશની ભાવિ પેઢીના ભવિષ્યને બદલવાનું કામ થઈ રહ્યું છે. દેશમાં ઔધોગિકરણ, માળખાગત સુવિધાઓ અને નવી ટેકનોલોજીના ઉપયોગથી આમૂલ પરિવર્તન આવ્યું છે.
રાજ્યપાલએ પદવી ધારકોને કારકિર્દીના ઉચ્ચ શિખરો સર કરે એવી શુભકામનાઓ પાઠવી હતી. રાજ્યપાલ એ દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબને શ્રધાંજલિ અર્પણ કરી હતી.
દીક્ષાંત પ્રવચન આપતા રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમના ચેરમેન ડો. મિનેશ શાહે જણાવ્યું હતું કે, આજે અનેક પડકારો વચ્ચે દુનિયા નવાચાર સાથે આગળ વધી રહી છે, ત્યારે વિશ્વવિદ્યાલયમાંથી મેળવેલા જ્ઞાનનો સમાજ,રાષ્ટ્ર અને સમાજના છેવાડાના માનવીના ઉત્થાન માટે કરી આત્મ વિશ્વાસ સાથે જીવનમાં આગળ વધવા હાકલ કરી હતી.
તેમણે ઉમેર્યું હતું કે, ગ્રામીણ લોકોના સામાજિક આર્થિક સશક્તિકરણ માટે રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમની સ્થાપના કરવામાં આવી હતી. જેની સાથે દેશના આઠ કરોડ ગ્રામીણ ખેડૂતો જોડાયેલા છે. ભારત આજે વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બન્યો છે.
દેશમાં દરરોજ 250 કરોડ પશુપાલકોને ચૂકવવામાં આવે છે.
અમૂલના સહકારિતા મોડલની જેમ રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ દ્વારા દૂધ અને દૂધની બનાવટો ઉપરાંત ફળ,શાકભાજી અને અન્ય કૃષિ ઉત્પાદનો વેચાણ માટે અમૂલ મોડલ લાગુ કરવામાં આવી રહ્યું છે, જેનો ખેડૂતોને લાભ મળશે તેમ તેમણે ઉમેર્યું હતું.
ડો.મિનેશ શાહે જણાવ્યું કે કેન્દ્રીય સહકારિતા વિભાગ દ્વારા દેશમાં બે લાખ ગામડાઓમાં વિવિધલક્ષી સહકારી મંડળીઓની રચના કરવામાં આવનાર છે. રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમને આ પૈકી 75 હજાર ગામડાંઓ આવી મંડળીઓની રચના કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
આગામી પાંચ વર્ષમાં આ તમામ ગામડાઓ સહકારિતા માધ્યમ સાથે જોડાશે.
ડો.શાહે ઉમેર્યું કે, પ્રાકૃતિક ખેતીને વધુ વેગવાન બનાવવા માટે રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.એટલું જ નહીં ગાય ભેંસ જેવા પશુઓના છાણના મૂલ્યવર્ધન માટે પશુપાલકોને માર્ગદર્શન આપવામાં આવે છે. રાજ્યના ૩૫ હજાર ઘરોમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે.જે વડાપ્રધાનના વિકસીત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મદદરૂપ બનશે.
પ્રારંભમાં યુનિવર્સિટીના કુલપતિ ડો.નિરંજન પટેલે સૌનો આવકાર કર્યો હતો. તેમણે યુનિવર્સિટીના વાર્ષિક અહેવાલનું ડિજિટલી વાંચન કર્યું હતું અને જણાવ્યું હતું કે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા અત્યાર સુધીમાં 4,07,729 વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાઓની પદવીઓ એનાયત કરવામાં આવી છે.
કાર્યક્રમના પ્રારંભે રાજયપાલ આચાર્ય દેવવ્રતને ભાઈકાકા લાયબ્રેરી ખાતે એન.સી.સી કેડેટ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુલ સચિવ ડો.ભાઈલાલ પટેલ, ચારુતર વિદ્યા મંડળના પ્રમુખ ભીખાભાઈ પટેલ,વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિઓ,બોર્ડ ઓફ મેનેજમેન્ટ,એકેડેમિક કાઉન્સિલના સભ્યો, ફેકલ્ટી ડીન, વિવિધ કોલેજના આચાર્યઓ, વિવિધ વિભાગના અધ્યક્ષઓ, અધ્યાપકો, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ