

પોરબંદર, 15 ડિસેમ્બર (હિ.સ.)શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત વિભાગના કેન્દ્રીય મંત્રી તેમજ પોરબંદર જિલ્લાના સાંસદ ડૉ. મનસુખ માંડવિયા અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં પોરબંદર ખાતે પોરબંદર મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં કુલ રૂ.41.3 કરોડના વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત તથા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, પોરબંદર ખાતે આયોજિત સાંસદ ખેલ મહોત્સવ–2025ના પ્રારંભ કાર્યક્રમ પ્રસંગે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ‘શહેરી વિકાસ વર્ષ–2025’ અંતર્ગતના પોરબંદર મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં રૂ.35.37 કરોડના વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત તેમજ રૂ.5.93 કરોડના પૂર્ણ થયેલ વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તથા કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયા સહિત મહાનુભાવોના હસ્તે પોરબંદર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સ્વચ્છતા કામગીરીને વધુ સશક્ત બનાવવા માટે ૨ જેસીબી તથા ગાર્બેજ કલેક્શન માટેના 18 વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ વિકાસ કામો થકી પોરબંદર શહેરના માળખાગત સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થશે તેમજ નાગરિકોને વધુ સુવિધાજનક અને સ્વચ્છ શહેરની અનુભૂતિ મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya