
- મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને વિવિધ વિભાગોના GPIની સમીક્ષા બેઠક
ગાંધીનગર,15 ડિસેમ્બર (હિ.સ.) રાજ્યના નાગરિકોના ઇઝ ઓફ લિવિંગ વધારવા સાથે યોજનાઓનું અસરકારક અમલીકરણ સરકારના વિવિધ વિભાગો નાગરિક કેન્દ્રિત યોજનાઓ, સેવાઓ અને વિકાસલક્ષી કામો તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ તથા ફરિયાદ નિવારણની કામગીરીથી કરે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આ હેતુસર વિવિધ વિભાગોની જુદા જુદા પ્રકારની કામગીરીઓના મહત્વપૂર્ણ પેરામીટર્સને સી.એમ. ડેશબોર્ડ પર એક જ ઇન્ટીગ્રેટેડ પ્લેટફોર્મ પર લાવવામાં આવ્યા છે.
દેશમાં સુશાસનના રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત થયેલા ગુજરાતમાં સિટિઝન સેન્ટ્રીક ગવર્નન્સનો અભિગમ સુનિશ્ચિત થાય અને યોજનાઓના અમલ સહિતની બાબતોનું રિયલ ટાઇમ મોનિટરિંગ થાય તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ સી.એમ. ડેશબોર્ડ કાર્યરત કરવામાં આવેલું છે.
ટેકનોલોજીના સમુચિત ઉપયોગની પહેલ રૂપ આ સી એમ ડેશ બોર્ડ દેશના અન્ય રાજ્યો માટે જનહિત લક્ષી અને યોજનાકીય કામગીરી મૂલ્યાંકન તથા અમલીકરણ માટેનું ઉદાહરણ રૂપ પ્લેટફોર્મ બન્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુડ ગવર્નન્સની એ ઉજ્જવળ પરંપરાને ગતિપૂર્વક આગળ ધપાવતાં સી.એમ. ડેશબોર્ડ દ્વારા સમગ્રલક્ષી ગવર્નન્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ (GPI) તૈયાર કરાવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ GPI સંદર્ભમાં વિભાગોની કામગીરીની પ્રગતિ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા ગાંધીનગરમાં યોજીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ