
પાટણ, 15 ડિસેમ્બર (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) દ્વારા MBBSના બીજા વર્ષનું પરિણામ આખરે જાહેર કરવામાં આવ્યું છે. કુલ 760 નિયમિત વિદ્યાર્થીઓમાંથી 89.12 ટકા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જ્યારે પાંચ રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ 0 ટકા રહ્યું છે. યુનિવર્સિટી સંલગ્ન જીએમઆરએસ કોલેજનું પરિણામ પણ 89.12 ટકા નોંધાયું છે.
MBBS બીજા વર્ષની પરીક્ષા સપ્ટેમ્બરમાં લેવાઈ હતી, પરંતુ બે મહિનાથી વધુ સમય સુધી પરિણામ જાહેર ન થતાં વિદ્યાર્થીઓમાં ગેરસમજ અને માનસિક તણાવ જોવા મળ્યો હતો. આગામી સપ્તાહથી શરૂ થનારી ત્રીજા વર્ષની પરીક્ષા અંગે પણ વિદ્યાર્થીઓ ચિંતિત હતા. પરીક્ષા વિભાગે અગાઉ ટેક્નિકલ ખામીને કારણે વિલંબ થયો હોવાનું જણાવ્યું હતું.
પરિણામમાં થયેલા વિલંબને લઈને એક વિદ્યાર્થી દ્વારા ગર્ભિત ધમકીભર્યો પત્ર HMSAના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેને ગંભીરતાથી લઈ તમામ મેડિકલ કોલેજના ડીનને જાણ કરવામાં આવી હતી. રજિસ્ટ્રાર રોહિત દેસાઈએ જણાવ્યું કે, ભવિષ્યમાં આવા વિલંબ ન થાય તે માટે યુનિવર્સિટી દ્વારા સુધારાત્મક પગલાં લેવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ