
પાટણ, 15 ડિસેમ્બર (હિ.સ.) સિધ્ધપુર મૂળના યુવા ક્રિકેટર હર્ષ ઠાકરની કેનેડાની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં આગામી ICC T20 વર્લ્ડ કપ માટે પસંદગી થઈ છે. તેઓ 16 સભ્યોની ટીમમાં ઓલરાઉન્ડર તરીકે સ્થાન પામ્યા છે. હાલ તેઓ કેનેડાની વનડે ટીમમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે.
ICC T20 વર્લ્ડ કપ ફેબ્રુઆરીમાં ભારતમાં શરૂ થવાનો છે. આ ટૂર્નામેન્ટ માટે હર્ષ ઠાકર ટીમ સાથે ભારત આવશે અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોતાની પ્રથમ મેચ રમશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હર્ષનો સારો રેકોર્ડ છે અને તેઓ બેટિંગ તેમજ બોલિંગ બંનેમાં ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવે છે.
હર્ષ ઠાકર સિધ્ધપુર શહેરના પટેલ લોકના મહાડના રહીશ તુષાર દશરથભાઈ ઠાકર ના સુપુત્ર છે, જેઓ કેનેડામાં સ્થાયી થયા છે. તેમના દાદા સ્વ. દશરથ ઠાકર એમપી હાઈસ્કૂલમાં વ્યાયામ શિક્ષક હતા. પોતાની મહેનત અને પ્રતિભાના બળે હર્ષે કેનેડાની ટીમમાં સ્થાન મેળવીને ભારત, સિધ્ધપુર અને બ્રહ્મસમાજને ગૌરવ અપાવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ