
પોરબંદર, 15 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદર શહેરના છાંયા વિસ્તારના ખાનગી કંપનીના ટાવર ઉભા કરવાના વિરોધમાં સ્થાનિક મહિલાઓ એક જૂઠ થઈ પોરબંદર મનપાની કચેરીએ પહોંચી ટાવર ન નાખવા કમિશ્નરને રજુઆત કરી હતી. કમિશ્નરે સ્થળ ચકાસણી કરવા અને ઓનલાઈન માહિતી મેળવવા કર્મચારીઓને સૂચનો આપ્યા હતા.
પોરબંદર શહેરમાં વધુ એક વખત ખાનગી કંપનીની મનમાની સામે સ્થાનિકોએ બાયો ચડાવી છે. છાંયા નવાપરા વિસ્તારમાં ખાનગી કંપની દ્વારા ટાવર નાખવાને લઈને સર્વેની કામગીરી થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે, ખાનગી કંપનીના કેટલાક લોકો પોલીસ બંદોબસ્ત સાથે ધમકીઓ આપે છે એક નહિ બે ટાવરો નાખીશું તેમ સ્થાનિકોને જણાવે છે.આજ મુદ્દે હવે સ્થાનિકોએ એકજુઠ થઈ મનપા કચેરીએ કમિશ્નરને રજુઆત કરવા પહોંચ્યા હતા. મહત્વનું એ છે કે આ મોબાઈલ ટાવર નાખવાનો વિરોધ મહિલાઓ કરી રહી છે.
આ મહિલાઓના જણાવ્યા મુજબ આઠ માસ પૂર્વે પણ મોબાઈલ ટાવરની કંપનીના કેટલાક લોકો આવ્યા હતા ત્યારે પણ સ્થાનિકોએ મનપા કચેરીમાં લેખિતમાં ટાવર ઉભા ન થાય તે માટે રજુઆત કરવામાં આવી હતી. ત્યારબાદ કોઈ હલચલ જોવા મળી ન હતી પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ફરી પોરબંદરના છાંયા નવાપરા વિસ્તારમાં મોબાઈલ ટાવરની કંપનીના માણસો ટાવર નાખવાના તજવીજ મુદ્દે આવી રહ્યા છે અને સ્થાનિકોને ધમકીઓ આપી રહ્યા છે કે અહીં અમે એક નહિ બે ટાવર નાખીશું. વધુમાં સ્થાનિક મહિલાઓએ મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, બી.એસ.એન.એલ. ટાવર તો છે જ આ ટાવરના રેડિએશનના લીધે ઘરે ઘરે બીમારીના ખાટલા છે અને હવે ખાનગી કંપનીના માણસો એમ કહે છે કે, અમે બે ટાવર નાખીશું જેને લઈને અમારા છાંયા નવાપરા વિસ્તાર ચૂનાની ભઠ્ઠીના લોકોનું જનહિતમાં અને લોકોના આરોગ્યના હિતમાં વિરોધ છે.
જો આ ટાવર નાખવાની તજવીજ આગળ વધશે તો આ વિસ્તારના લોકો આંદોલનનો માર્ગ અપનાવશે તેમ જણાવ્યું હતું. આજ મુદ્દે મનપા કમિશ્નરને લેખિતમાં આજે 15 ડિસેમ્બર સોમવારના રોજ સ્થાનિકોએ રજુઆત કરી હતી અને કમિશ્નરે મહિલાઓને જણાવ્યું હતું કે, હું મનપાના કર્મચારીઓને સ્થળ નિરીક્ષણ કરવા મોકલું છું અને ઓનલાઇન ક્યાં પ્રકારની મંજૂરી છે તે તપાસ કરી લઉં છું.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya