
- 18 ડિસેમ્બર થી 1 જાન્યુઆરી સુધી પોર્ટલ પર અરજી કરી શકાશે
- ઉંટડી ગામ માટે SEBC અને દિગસર માટે જનરલ કેટેગરીને અગ્રતા: અધૂરી વિગતોવાળી અરજીઓ રદ થશે
સુરેન્દ્રનગર,15 ડિસેમ્બર (હિ.સ.) સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને મૂળી તાલુકાઓમાં જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાના આશયથી નવા 'પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર' વાજબી ભાવની દુકાન શરૂ કરવામાં આવનાર છે. જે વિસ્તારોમાં વધુ અંતર, જનસંખ્યાના ધોરણો, દુકાનદારોના રાજીનામા અથવા પરવાના રદ્દ થવાના કારણે દુકાનો બંધ થયેલ છે, ત્યાં આ નવી દુકાનો ખોલવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
જેમાં લીંબડી તાલુકાના ઉંટડી ગામ માટે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના (SEBC) બેરોજગાર મહિલા અથવા પુરુષ ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે. જ્યારે મૂળી તાલુકાના દિગસર ગામ માટે જનરલ (સામાન્ય) કેટેગરીના બેરોજગાર મહિલા અથવા પુરુષ ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે. આ ઉપરાંત, શિક્ષિત બેરોજગાર મહિલાઓ અને પુરુષો માટે સરકારના નિયમોનુસાર અનામત ટકાવારી લાગુ રહેશે.
પસંદગી પામનાર દુકાન સંચાલક અથવા સંસ્થાએ દુકાનના સંચાલન માટે આધુનિક સાધનો વસાવવા ફરજિયાત રહેશે. જેમાં કોમ્પ્યૂટર/લેપટોપ, હેન્ડહેલ્ડ ટર્મિનલ, પ્રિન્ટર, બાયોમેટ્રિક ડિવાઇસ અને ઇલેક્ટ્રોનિક વજન કાંટાનો સમાવેશ થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ