
ગાંધીનગર,15 ડિસેમ્બર (હિ.સ.) રોજબરોજ કોલ સેન્ટરના નામે અને ડિજિટલ એરેસ્ટ જેવા ગુના સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે ત્યારે ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ 15 ડિસેમ્બર ગાંધીનગરમાં એક મોટી સફળ ટ્રેપ ગોઠવી સીઆઇડી ક્રાઈમના પોલીસ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલને 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે.
ઉલ્લેખનીય છે કે, કોલ સેન્ટરના એક ગુનામાં કાર્યવાહી ન કરવા અને સેટલમેન્ટ કરવા પીઆઇ અને એક આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલે લાંચ માગી હતી, ત્યારે આજે એસીબી એ ટ્રેપ ગોઠવી બંને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
એસીબીના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ કેસના ફરિયાદી અને તેમના મિત્ર વિરૂદ્ધ સીઆઇડી ક્રાઈમ ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કોલ સેન્ટરના ગુનામાં કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવાના સીઆઇડી ક્રાઈમના પોલીસ ઇન્સ્પેક્ટર પેથા કમરશીભાઈ પટેલ અને આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ વિપુલ બાબુભાઈ દેસાઈ દ્વારા મોટી તગડી રકમની લાંચ માગવામાં આવી હતી. જે રકઝકના અંતે 30 લાખની રકમ આપવાનું નક્કી થયું હતું.
પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે. પટેલ અને કોન્સ્ટેબલ વિપુલ દેસાઇને એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા.
જોકે, ફરિયાદી લાંચની રકમ આપવા માગતો ન હોવાથી તેણે એસીબીનો સંપર્ક કર્યો હતો. જેના પગલે એસીબીઅમદાવાદ શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન.પટેલ અને તેમની ટીમ દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ ટ્રેપ ગાંધીનગરના સરગાસણ ખાતે સ્વાગત સિટી મોલથી આગળ જાહેર રોડ પર આવેલી ધી ઓફિસિસ હરી ગ્રુપ નામની નવી બનતી સાઈટની સામે ગોઠવવામાં આવી હતી.
આ દરમિયાન કોન્સ્ટેબલ વિપુલ દેસાઈ ફરિયાદીને મળ્યો હતો, ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે. પટેલ પણ આ લાંચ સ્વીકારવાની સંમતિ આપી હતી. બાદમાં કોન્સ્ટેબલ વિપુલ દેસાઈએ ફરિયાદી પાસેથી 30 લાખની લાંચ લીધી હતી. એ જ ઘડીએ એસીબીએ લાંચિયા કોન્સ્ટેબલ વિપુલ દેસાઈને દબોચી લીધો હતો. આ બંને લાંચિયા પોલીસ કર્મચારીઓની એસીબીએ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ