માણસા તાલુકાના વેડા PHC સેન્ટરને ક્વોલિટી એવોર્ડ,88.74 ગુણ મેળવી રાષ્ટ્રીય પ્રમાણપત્ર
ગાંધીનગર,15 ડિસેમ્બર (હિ.સ.) ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલા વેડા ગામના આયુષ્માન આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય કક્ષાનું ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડનું સંપૂર્ણ પ્રમાણપત્ર ત્રણ વર્ષ માટે પ્રાપ્ત થયું છે. આ કેન્દ્રને 12 વિવિધ સેવા પેકેજની કામગ
માણસા તાલુકાના વેડા PHC સેન્ટરને ક્વોલિટી એવોર્ડ,88.74 ગુણ મેળવી રાષ્ટ્રીય પ્રમાણપત્ર


ગાંધીનગર,15 ડિસેમ્બર (હિ.સ.) ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલા વેડા ગામના આયુષ્માન આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય કક્ષાનું ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડનું સંપૂર્ણ પ્રમાણપત્ર ત્રણ વર્ષ માટે પ્રાપ્ત થયું છે. આ કેન્દ્રને 12 વિવિધ સેવા પેકેજની કામગીરીમાં 100માંથી 88.74 ગુણ મળ્યા છે.

આ સિદ્ધિ સાથે, વેડા પીએચસી રાષ્ટ્રીય કક્ષાની ગુણવત્તા જાળવી રાખવા બદલ કેન્દ્ર સરકાર તરફથી ત્રણ વર્ષ માટે ₹3 લાખની રકમ મળવાપાત્ર થશે.

આ પ્રમાણપત્ર રાષ્ટ્રીય એક્રિડિટેશન હેઠળ આપવામાં આવ્યું છે, જે આરોગ્ય સેવાઓની ઉચ્ચ ગુણવત્તા દર્શાવે છે.

ભારત સરકારના આરોગ્ય વિભાગની બે સભ્યોની ટીમે ગત 21-22 નવેમ્બર, 2025ના રોજ બે દિવસ માટે આયુષ્માન આરોગ્ય મંદિર પીએચસી વેડામાં કરવામાં આવતી તમામ આરોગ્યલક્ષી કામગીરીનું ભૌતિક મૂલ્યાંકન કર્યું હતું. ટીમે કેન્દ્રની કાર્યપદ્ધતિનું બારીકાઈથી અવલોકન કર્યું હતું.

મૂલ્યાંકનમાં OPD, IPD, લેબોરેટરી, લેબર રૂમ, નેશનલ હેલ્થ પ્રોગ્રામ અને જનરલ એડમિનિસ્ટ્રેશન જેવા કુલ છ વિભાગોનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, માતા સંભાળ, બાળ સંભાળ, તરુણાવસ્થા આરોગ્ય, રસીકરણ, કુટુંબ કલ્યાણ, NCD, સંક્રમિત રોગોની અટકાયત, ડાયાબિટીસ, હાઈપરટેન્શન, સ્તન કેન્સર, મોઢાનું કેન્સર, ગર્ભાશયના મુખનું કેન્સર, ઇમરજન્સી સારવાર અને માનસિક આરોગ્ય જેવી વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોની પણ તપાસ કરવામાં આવી હતી.

વેડાની આરોગ્ય ટીમે છ મહિનાથી આ તૈયારીઓ કરી હતી અને નિર્ધારિત માપદંડો અનુસાર ગામના છેવાડાના નાગરિક સુધી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પૂરી પાડી હતી. આ ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા ટીમે 88.74% ગુણ પ્રાપ્ત કરીને સમગ્ર ગાંધીનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande