
પાટણ, 15 ડિસેમ્બર (હિ.સ.)સિદ્ધપુરની શ્રી અભિનવ હાઈસ્કૂલ અને શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે પર્યાવરણ સંરક્ષણ અંગે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. મુંબઈ સ્થિત દશા વિશા વણિક સમાજના અગ્રણી મનોજ શાહ અને તેમની ટીમ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ધોરણ 6 થી 12 ના આશરે 250 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમનો પ્રારંભ મુંબઈથી પધારેલા મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને વંદનાથી થયો. પ્રધાનાચાર્ય ડો. રૂપેશ ભાટિયાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું, જ્યારે શિક્ષક અરવિંદ દવેએ પર્યાવરણ આધારિત ગીત “નદિયા ન પીએ કભી અપના જલ” રજૂ કર્યું હતું.
મોટિવેશનલ સ્પીકર દિલીપ પુરોહિતે પીપીટી અને વીડિયો દ્વારા પર્યાવરણ સંરક્ષણ, વેસ્ટ મેનેજમેન્ટ અને સર્જનાત્મકતા અંગે પ્રેરણાદાયી માહિતી આપી. તેમણે તુલસીના આધ્યાત્મિક, ઔષધીય અને પર્યાવરણીય મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો. આ પ્રસંગે અધ્યક્ષ મનોજ શાહે જણાવ્યું હતું કે, “આપણે પર્યાવરણને બચાવીશું તો પર્યાવરણ આપણને બચાવશે.”
કાર્યક્રમના અંતે દરેક વિદ્યાર્થીને કાપડની થેલીમાં ખાતર મિશ્રિત માટી અને તુલસીના માંજર આપવામાં આવ્યા અને ઘરે તુલસી ઉછેરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. છ મહિના પછી સારું ઉછેર કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી. આ કાર્યક્રમમાં મુંબઈ અને સિદ્ધપુરથી અનેક મહેમાનો, ટ્રસ્ટીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ