


પાટણ, 15 ડિસેમ્બર (હિ.સ.)નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પાટણની ટીમે શહેરમાં કાર્યવાહી કરી પ્રતિબંધિત સ્મોકિંગ કોન અને રોલ પેપર વેચતા ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે. આ દરમિયાન પોલીસે કુલ રૂ. 2,214નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સરકારની સૂચનાઓ અનુસાર નશીલા પદાર્થો સામે કડક કાર્યવાહી માટે SOG પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પાટણ ટાઉન વિસ્તારમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.
ચેકિંગ દરમિયાન નાણાવટી સ્કૂલ સામે આવેલ સિંધવાઈ પાર્લર, તિરુપતિ માર્કેટની ઉમિયા પાર્લર અને લીલીવાડી ચાર રસ્તા નજીકના વિવેક પાનપાર્લર પરથી પ્રતિબંધિત સામગ્રી મળી આવી હતી. જેમાં રૂ. 1,900ના ગોગો સ્મોકિંગ કોન અને રૂ. 314ની રોલ પેપર મળી કુલ રૂ. 2,214નો મુદ્દામાલ જપ્ત થયો હતો.
આ મામલે BNS કલમ 223 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી માટે કેસ એ ડિવિઝન તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપાયો છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં નરેશકુમાર પ્રજાપતિ, જીતુભા ઠાકોર અને ભદ્રેશભાઇ પટેલનો સમાવેશ થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ