

પાટણ, 15 ડિસેમ્બર (હિ.સ.) પાટણ શહેરમાં સર્પદોષ દૂર કરવાની ખોટી વિધિના બહાને એક મહિલાને રૂ.50,000ની છેતરપિંડીનો ભોગ બનાવવામાં આવ્યો હતો. આ મામલે પાટણ સીટી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
ફરિયાદી કાજલ અંકુરભાઈ પટેલ, રહે. બ્રહ્માણીનગર સોસાયટી, પાટણ, ઘરકામ સાથે બ્યુટીપાર્લર ચલાવે છે. બે અજાણી મહિલાઓ તેમના ઘરે આવી હતી અને વાતચીત દરમિયાન સર્પકાળ દોષ હોવાનું કહી ધાર્મિક વિધિ કરાવવાની વાત કરી હતી.આરોપી મહિલાઓએ દોષ દૂર કરવા માટે ઘરમાં રહેલા તમામ પૈસા આપવા કહ્યું અને બે કલાકમાં વિધિ કરીને પરત આપવાની ખાતરી આપી હતી. કાજલબેન તેમની વાતમાં આવી જઈ રૂ.50,000 રોકડા આપી દીધા હતા, પરંતુ મહિલાઓ પૈસા લઈને ફરાર થઈ ગઈ હતી.આ કેસમાં LCBએ ગાંધીનગરના દહેગામ તાલુકાના બહિયાલ ગામેથી મીનાબેન અને ગીતાબેનને ઝડપી લીધા હતા. પૂછપરછ દરમિયાન બંનેએ ગુનાની કબૂલાત કરી હતી અને પોલીસે રૂ.50,000ની રોકડ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ