
જૂનાગઢ,15 ડિસેમ્બર (હિ.સ.) જૂનાગઢના ધર્મગુરુ તરીકેની ઓળખ ધરાવતા કલ્યાણગીરી મહંતનો સાગરિતો સાથે સાયબર ફ્રોડનો ખેલ સામે આવ્યો છે. જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં ગૌ સેવાના પવિત્ર કાર્યની આડમાં ચાલી રહેલા એક મોટા સાઈબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ થયો છે. જૂનાગઢથી માત્ર 15 કિલોમીટર દૂર આવેલા કેરાળા ગામમમાં અવધૂત આશ્રમની ગૌશાળા આ કૌભાંડનું મુખ્ય કેન્દ્ર બની હતી. આ ગૌશાળામાં રહેતા અને ધર્મગુરુ તરીકેની ઓળખ ધરાવતા કલ્યાણગીરીને આ સમગ્ર સાયબર ફ્રોડનું મુખ્ય સૂત્રધાર ગણવામાં આવી રહ્યા છે. એસઓજી દ્વારા કલ્યાણગીરી સામે પૂરાવાઓ પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
અવધૂત આશ્રમના ભાગરૂપે કેરાળા નજીક આવેલી ગૌશાળાનો વહીવટ સંભાળતા કલ્યાણગીરી બાપુ સાયબર ફ્રોડના એક મોટા નેટવર્કના સૂત્રધાર હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. ગત 12 ડિસેમ્બરના રોજ એસઓજીના હાથે મ્યુલ એકાઉન્ટ ઓપરેટ કરીને છેતરપિંડી આચરનાર અભય પરસાણિયાની ધરપકડ થતાં, સમગ્ર કોભાંડમાં બાપુનો ખેલ ઉઘાડો પડ્યો છે.
કલ્યાણગીરી બાપુની સંડોવણી સામે આવતા જુનાગઢ એસઓજીએ તેમની સઘન પૂછપરછ હાથ ધરી છે. પોલીસ તપાસમાં બાપુના બેંક એકાઉન્ટ્સમાં પણ લાખો રૂપિયા જમા હોવાનું સામે આવ્યું છે. આ ફંડ સાયબર ફ્રોડનું છે કે અન્ય કોઈ રીતે આવ્યું છે, તે મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આટલું થવા છતાં પણ કલ્યાણગીરી જેના શિષ્ય છે તેવા ભવનાથ ક્ષેત્રમાં અવધૂત આશ્રમનો વહીવટ કરતા મહાદેવ ગીરીએ કહ્યું કે મને આ મામલે કંઈ ખબર જ નથી. પરંતુ ગૌશાળામાં કે આશ્રમમાં જે દાન આવે છે તેનો હિસાબ રાખવો સરકારી નિયમો મુજબ જરૂરી હોય છે.
કલ્યાણગીરી મહંત તરીકેની ઓળખ ધરાવે છે અને તેમને આ સમગ્ર સાયબર ફ્રોડ નેટવર્કનું મુખ્ય સૂત્રધાર માનવામાં આવી રહ્યા છે. પોલીસ તપાસ મુજબ, કલ્યાણગીરી બાપુ યુવાનોને સરળતાથી રૂપિયા કમાવવાની લાલચ આપીને પોતાના વિશ્વાસમાં લેતા હતા.
ગૌશાળાના હિંચકા ઉપર બેસીને યુવાનોને ધાર્મિક ઉપદેશની સાથેસાથે રૂપિયા કમાવવાની લાલચ આપી ગુનાહિત પ્રવૃત્તિ તરફ વાળતા હતા. આ વિશ્વાસનો લાભ લઈને તે યુવાનો પાસેથી તેમના બેંક એકાઉન્ટની તમામ વિગતો મેળવતા હતા. આ એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાંની હેરાફેરી માટે 'મ્યુલ એકાઉન્ટ્સ' તરીકે થતો હતો. બાપુ હંમેશા યુવાનોને ડર્યા વગર આ કામ કરવા માટે પ્રોત્સાહિત કરતા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ