
ગાંધીનગર,15 ડિસેમ્બર (હિ.સ.) રાજ્યમાં શિયાળુ એટલે કે રવિ સીઝન મોટા પ્રણામમાં ખેડૂતો દ્વારા ઘઉંનું વાવેતર કરવામાં આવે છે. વાવણી બાદ ઘઉંના ઊભા પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપનના હેતુથી ખેતી નિયામકની કચેરી દ્વારા ખેડૂતો માટે જરૂરી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
આ માર્ગદર્શિકા મુજબ ઘઉંના પાકમાં મોલોનો ઉપદ્રવની સાથે તેના કુદરતી દુશ્મનો પરભક્ષી દાળીયા-લેડી બર્ડ બીટલ, લીલી પોપટી-ક્રાયસોપર્લા તેમજ સીરફીડ ફલાય મોટી સંખ્યામાં જોવા મળે છે જેથી જંતુનાશક છાંટવાની જરૂરિયાત રહેતી નથી. તેમ છતાં મોલોનું પ્રમાણ વધારે જણાય અને પાકને નુકસાન થતું હોય તો થાયામેથોક્ઝામ 25 ડબલ્યુજી 3 ગ્રામ 10 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો જોઈએ.
જ્યારે લીલી ઈયળના નિયંત્રણ માટે ખેતર નીંદણ મુક્ત રાખવું. ઘઉંમાં ઉંબીઓ આવવાની શરૂઆત થાય ત્યારથી જ પાકનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરતા રહેવું અને નાની ઈયળો દેખાય તો લીમડાની લીંબોળીની મીંજમાંથી બનાવેલ અર્ક પાંચ ટકા-500 ગ્રામ/10 લિટર પાણી અથવા લીંબોળીની તેલયુક્ત દવા 10 મિ.લિ.-5 ઇ.સી. અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર 40 ગ્રામ 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાનો રહેશે.
વધુમાં વાવણી સમયે બીજને કીટનાશકની માવજત અપાઈ ન હોય અને જો ઘઉંના ઉભા પાકમાં ઉધઈનો ઉપદ્રવ શરૂ થતો જણાય તો તુરંત જ એક હેકટર પાકના વિસ્તાર માટે ફીપ્રોનીલ પાંચ એસ.સી. 1.6 લિટર દવા અથવા ક્લોરપાઇરીફોસ 20 ઈસી 1.5 લિટર દવા 100 કિ.ગ્રા. રેતી સાથે ભેળવી ઘઉંના ઉભા પાકમાં પુંખવી અને તરત જ પાકને હળવુ પિયત આપવું અથવા પાણીના ઢાળીયા ઉપર લાકડાની ઘોડી મૂકી તેમાં જે તે કીટનાશકનો ડબ્બો ગોઠવી ટીપે ટીપે એક હેક્ટર વિસ્તારમાં પ્રસરે તે રીતે આપવી જોઈએ.
આ ઉપરાંત ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે જો ઉપદ્રવ ઓછો હોય તો નુકસાનવાળા છોડને ઈયળ સહિત મૂળમાંથી ખેંચી લઈ તેનો નાશ કરવો. ખપૈડીના નિયંત્રણ માટે ઘઉંની વાવણી બાદ શેઢા-પાળા ઉપર તેમજ ખેતરમાં ફેનવાલરેટ 0.4 ટકા ભૂકી હેકટરે 25 કિ.ગ્રા. પ્રમાણે છંટકાવ કરવાનો રહેશે. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવા અને અનુસરવા માર્ગદર્શિકામાં જણાવાયું છે.
ખેડૂતોએ આ અંગે વધુ જાણકારી માટે પોતાના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક-વિસ્તરણ અને નાયબ ખેતી નિયામક-તાલીમનો સંપર્ક કરવાનો રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ