
પાટણ, 16 ડિસેમ્બર (હિ.સ.)રાધનપુર પોલીસે સાયબર ક્રાઈમ પર અંકુશ લાવવા માટે, ‘મ્યુલ હન્ટ ઓપરેશન’ અંતર્ગત ઓનલાઈન છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. આ અભિયાનનો મુખ્ય હેતુ, સાયબર ગુનેગારો દ્વારા ઉપયોગમાં લેવાતા મ્યુલ બેંક એકાઉન્ટ્સ મારફતે થતા ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો અટકાવવાનો છે.
કેન્દ્ર સરકારના NCCRP અને SAMANVAYA પોર્ટલ પરથી મળેલી માહિતીના આધારે, રાધનપુર વિસ્તારની બેંકોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, રાધનપુર શાખામાં સાંતલપુરના શક્તિસિંહ અર્જુનસિંહ જાડેજાના નામે ચાલતા બચત ખાતામાં શંકાસ્પદ વ્યવહારો નોંધાયા હતા.
બેંક સ્ટેટમેન્ટ મુજબ 13 નવેમ્બર, 2025ના રોજ આ ખાતામાં RTGS દ્વારા ₹3,43,000 જમા થયા હતા અને તે જ દિવસે ચેક મારફતે ₹3,35,000 ઉપાડી લેવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન ખાતાધારકે સ્વીકાર્યું હતું કે, આ રકમ તેના મિત્રો યશકુમાર દયાલદાસ લાલવાણી અને પ્રવિણભાઈ દેસાઈ દ્વારા જમા કરાવવામાં આવી હતી.
આ વ્યવહારમાં શક્તિસિંહને કમિશન પેટે, ₹8,000 મળ્યા હતા અને બાકીની રકમ તેણે યશકુમારને સોંપી હતી. પોલીસ ફરિયાદ મુજબ ત્રણેય આરોપીઓએ પૂર્વયોજિત સાજિશ રચી ખોટી ઓળખ દ્વારા, સાયબર છેતરપિંડી કરી ગેરકાયદેસર આર્થિક લાભ મેળવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ