

પોરબંદર, 18 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદર શહેરી વિસ્તારમાં મનપા દ્વારા ટ્રાફિકને અડચણ રૂપ રેકડી હટાવો ઝુંબેશના ત્રીજા દિવસે ફરી મનપાની ટિમ મુખ્ય બજારમાં ત્રાટકી હતી. અને રેક્ડી-કેબીન, દુકાનોની બહાર રાખેલ સમાન જપ્ત કરી જાહેરમાં કચરો ફેંકનારને દંડ ફટકારવા સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.
પોરબંદર મનપા વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાનો સળગતો પ્રશ્ન છે. ત્યારે તાજેતરમાં રેન્જ આઈ.જી.ના લોકદરબારમાં વેપારી અગ્રણીએ મુખ્ય બજારમાં ટ્રાફિકનો મુદ્દો ઉઠાવતા પોરબંદર પોલીસ એક્શનમાં આવી હતી. મુખ્ય બજારમાં પેટ્રોલિંગ હાથ ધરી લારી ધારકો, કેબીન ધારકોને રોડ પર લારીઓ ન રાખવા સૂચના આપવામાં આવી હતી. આ સાથે જ કીર્તિમંદિર પોલીસ દ્વારા બજારમાં ટ્રાફિકને અડચણરૂપ લોખંડની જારી, ટેબલો જપ્ત કરી જાહેરનામા ભાંગની ડઝનથી વધુ ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ 15 દિવસનો લારી કેબીન ધારકોને તેમજ દુકાનદારોને સમય આપવામાં આવ્યો હતો. આમ છતાં પણ કેટલાક લારી ધારકો-કેબીન ધારકો તથા વેપારીઓ નિયમોનું પાલન ના કરતા મનપાએ કાર્યવાહી હાથમાં લીધી છે. સતત ત્રણ દિવસથી પોરબંદર મનપા વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ રોડ પર તેમજ ફૂટપાથ પર રાખેલ લારી-કેબીન જપ્ત કરવાની કાર્યવાહી થઈ રહી છે આ સાથે જે પણ દુકાનદારો પોતાની દુકાન આગળ કચરો નાખતા હતા તેને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત આજે ગુરુવારે પણ શહેરના નગીના મસ્જિદ વિસ્તારમાં ફૂટપાથ પર રાખેલ ટાયરો, બોર્ડ, સામાન, વગેરે હટાવવાની અને જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમિયાન કેટલાક વેપારીઓએઆક્ષેપ કર્યા હતા કે કેટલાક લોકોનો સામાન લેવામાં આવે છે તો કેટલાકનો સામાન લેવામાં આવતો નથી. આ સાથે જ રેંકડી કેબીન ધારકાઓમાં નારાજગી પણ છે. તેઓ પોતાની જગ્યા માટે માંગ કરી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya