
પાટણ, 16 ડિસેમ્બર (હિ.સ.)વારાહી વિસ્તારમાં યુરિયા ખાતરની ભારે અછત સર્જાઈ છે, જેના કારણે ખેડૂતોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાતર મેળવવા માટે ખેડૂતો વહેલી સવારથી લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે, છતાં પણ પૂરતા પ્રમાણમાં યુરિયા મળતું નથી.
ઘણા ખેડૂતો કલાકો સુધી રાહ જોયા બાદ પણ ખાતર લીધા વિના નિરાશ થઈ પરત ફરી રહ્યા છે. ખેતીના મોસમ દરમિયાન ખાતરની અછતને કારણે પાક પર અસર પડવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ સ્થિતિનો લાભ ઉઠાવીને કેટલાક એગ્રો સેન્ટરના વિક્રેતાઓ દ્વારા યુરિયા સાથે ઝીંક અને ગંધક જેવા અન્ય ખાતરો ફરજિયાત વેચવામાં આવતાં હોવાના આક્ષેપો થયા છે. વારાહી ખાતેના એગ્રી બિઝનેસ સેન્ટર સામે રાજાભાઈ અને મણાભાઈ સહિતના ખેડૂતોએ આવી ફરિયાદ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ