
પાટણ, 16 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામના ખેડૂતો નર્મદા નિગમની બેદરકારી સામે ઉગ્ર વિરોધમાં ઉતર્યા છે. રવિ સિઝન માટે કેનાલમાં પાણી ન મળતા ખેડૂતો થાળી-વેલણ વગાડીને અને કાળી પટ્ટી ધારણ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા.
ખેડૂતોનો આક્ષેપ છે કે નર્મદા નિગમ દ્વારા કેનાલની સમયસર અને યોગ્ય સફાઈ કરવામાં આવતી નથી. કેનાલોમાં માટી, ઝાડ-ઝાંખરા અને કચરાના ઢગલા ભરાઈ જવાને કારણે પાણીનો પ્રવાહ અટકી ગયો છે. પરિણામે રવિ પાક માટે જરૂરી પાણી ખેતરો સુધી પહોંચી રહ્યું નથી.
ખેડૂતોએ અગાઉ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં નર્મદા નિગમના અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી નથી. અધિકારીઓની નિષ્ક્રિયતાથી કંટાળીને ખેડૂતોને રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે અને રાધનપુર નર્મદા નિગમ કચેરી ખાતે પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો છે.
ખેડૂતોનો હેતુ સ્પષ્ટ છે કે રવિ સિઝન માટે પૂરું અને નિયમિત પાણી મળે નહિ તો ઊભો પાક બરબાદ થશે અને મોટું આર્થિક નુકસાન થશે. તેમણે તાત્કાલિક કેનાલની સફાઈ કરીને પાણી છોડવાની માંગ કરી છે અને કહ્યું છે કે માંગ સંતોષવામાં ન આવે તો આવનારા દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ