


પોરબંદર, 16 ડિસેમ્બર (હિ.સ.) : કુતિયાણા તાલુકાના થેપડા ગામે બાલા હનુમાન માધ્યમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો સાંસદ ખેલ મહોત્સવ ઉત્સાહભેર યોજાયો. કાર્યક્રમનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં વિવિધ રમતોમાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સ્પર્ધામાં રસ્સાખેંચ અંડર-17 ભાઈઓ વર્ગમાં 27 ખેલાડીઓ, અબોવ-17 વર્ગમાં 18 ખેલાડીઓ તથા 40+ વર્ગમાં બે ટીમો (કુલ 18 ખેલાડીઓ) જોડાયા હતા. ઉપરાંત કબડી અંડર-17 વર્ગમાં ત્રણ ટીમો (36 ખેલાડીઓ), અબોવ-17 વર્ગમાં ત્રણ ટીમો (36 ખેલાડીઓ) અને ખો-ખો અંડર-17 વર્ગમાં બે ટીમો (24 ખેલાડીઓ) તેમજ અબોવ-17 વર્ગમાં બે ટીમો (24 ખેલાડીઓ)એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને સહભાગિતાના પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા, જ્યારે કબડી, રસ્સાખેંચ અને ખો-ખોની રમતમાં પ્રથમ, દ્વિતીય તથા તૃતીય ક્રમે આવેલ ટીમોને રેન્ક પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તમામ ખેલાડીઓને ફળાહાર પણ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ રમેશભાઈ પટેલ, ચૌટા ગ્રામ પંચાયતના સરપંચ દેવાયત કારાભાઈ નંદાણીયા, બાલા હનુમાન ટ્રસ્ટના ટ્રસ્ટી સામતભાઈ આંત્રોલિયા તેમજ બાલા હનુમાન માધ્યમિક શાળાના આચાર્ય સામતભાઈ બાપોદરા ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને ઉત્સાહિત કર્યા હતા.
આ સમગ્ર સ્પર્ધાનું આયોજન બાલા હનુમાન માધ્યમિક શાળાના પી.ટી. શિક્ષક ગોરા જયદેવ (ગઢવી) સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya