
પોરબંદર, 16 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં ચાલુ રવિ સિઝનમાં અંદાજિત 91,387 હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થયેલ છે, તથા હજુ પણ ચાલુ છે. જિલ્લામાં મુખ્યત્વે ચણા, ઘઉં, જીરું, ધાણા તથા ઘાસચારા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.
જિલ્લાના ખેડૂતોને વાવેતર કરેલ વિવિધ પાકો માટે યુરિયા તથા ડીએપી ખાતર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે તે માટે ઉત્પાદક કંપનીઓ તથા વિતરક સંસ્થાઓ સાથે નિયમિત સંકલન કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોને સમયસર ખાતર મળી રહે તે માટે જિલ્લા વહીવટ તંત્ર દ્વારા યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ અન્વયે, ચાલુ રવિ સિઝનમાં તા. 1-10-2015 થી 15-12-2025 દરમ્યાન ઘેડ વિસ્તાર સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં જુદા જુદા ખાતર વિક્રેતાઓને કુલ 5,841 મેટ્રિક ટન યુરિયા, તેમજ ફોસ્ફેટિક ખાતર તરીકે 3,713 મેટ્રિક ટન ડીએપી અને 1,650 મેટ્રિક ટન એનપીકે ખાતરનો જથ્થો સપ્લાય કરવામાં આવ્યો છે. ઉપરાંત, જિલ્લામાં સરકારી સ્ટોરેજમાં રહેલ 283 મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો રીલીઝ કરી વિતરણ કરવામાં આવ્યો છે.
ચાલુ મહિનામાં જિલ્લામાં 4,100 મેટ્રિક ટન યુરિયા ખાતરની સપ્લાય થવાની યોજના મુજબનો સપ્લાય પ્લાન પ્રાપ્ત થયો છે, જે મુજબ જિલ્લાના તમામ તાલુકાઓમાં સમપ્રમાણે વિતરણ થાય તે રીતે આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
પોરબંદર જિલ્લામાં અલગ-અલગ ગામોમાં જિલ્લા સંઘ, તાલુકા સંઘ, ગ્રામ્ય મંડળીઓ તથા અન્ય લાયસન્સધારક વિક્રેતાઓ મારફત ખેડૂતોના હિતમાં યુરિયા ખાતરનું વેચાણ સતત ચાલુ છે. ઉપરાંત, સરકાર દ્વારા યુરિયા ખાતરની ખરીદી પર ખેડૂતોને સબસિડીની સુવિધા પણ આપવામાં આવે છે અને જિલ્લામાં યુરિયા ખાતરની સપ્લાય અવિરત ચાલુ રહેશે.
આથી, જિલ્લાના તમામ ખેડૂતોને જણાવવામાં આવ્યું છે કે યુરિયા ખાતર ઉપલબ્ધ ન હોવાની કોઈ પણ પ્રકારની અફવાઓ તરફ ધ્યાન ન આપવું, બિનજરૂરી સંગ્રહ ન કરવો અને માત્ર પોતાની જરૂરિયાત મુજબ જ ખાતર ખરીદવું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya