
પાટણ, 16 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે રામી માળી સમાજ દ્વારા શ્રી અંબાજી માતાજીના પરિસરમાં પાઠોત્સવની ભાવભરી ઉજવણી કરવામાં આવી. આ ધાર્મિક કાર્યક્રમમાં સમાજના મોટી સંખ્યામાં સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
આ પ્રસંગે સમાજ દ્વારા નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સિદ્ધપુરના વિદ્વાન બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત વિધિ અને વેદોક્ત મંત્રોચ્ચાર સાથે હોમાત્મક યજ્ઞ સંપન્ન કરાવ્યો હતો. સમાજના નવયુગલોએ યજમાન તરીકે બિરાજમાન થઈને ધર્મલાભ લીધો હતો. દિવસભરના ધાર્મિક કાર્યક્રમો બાદ સાંજે સમૂહ જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મોટી સંખ્યામાં સમાજના સભ્યોએ હાજરી આપી પ્રસાદ ગ્રહણ કર્યો હતો. રામી માળી સમાજે એકતા અને શ્રદ્ધાના પ્રતીક રૂપે આ પાઠોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ