


પોરબંદર, 17 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લામાં મહિલા અને બાળ અધિકારીની કચેરી, પોરબંદર દ્વારા “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજનાના અંતર્ગત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, મહિયારી ખાતે ‘કિશોરી મેળા’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK), પોરબંદરના મેડીકલ ઓફિસર ડૉ. ડિમ્પલ શુક્લાએ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી કિશોરીઓને એનીમિયા (પાંડુરોગ)ના કારણો, લક્ષણો તથા નિવારણ અંગે તબીબી દ્રષ્ટિકોણથી વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કિશોરીઓમાં હિમોગ્લોબીનનું સ્તર જાળવી રાખવા માટે પૌષ્ટિક આહાર તથા આયર્ન સપ્લીમેન્ટ્સના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. ઉપરાંત, માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા અંગે પ્રવર્તમાન સામાજિક ગેરમાન્યતાઓનું ખંડન કરી વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાનો અનુરોધ કર્યો હતો.
“સંકલ્પ” ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેંટ ઓફ વુમનની ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર ડૉ. સંધ્યા જોશીએ કિશોરીઓને સ્વાસ્થ્યવર્ધક તથા ગુણવત્તાયુક્ત જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમના સમાપન ચરણમાં સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાનના ભાગરૂપે અને કિશોરીઓને પ્રોત્સાહન આપવા હેતુસર, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, ખાપટની ઉપસ્થિત તમામ વિદ્યાર્થીનીઓને હાઈજીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આર.બી.એસ.કે.ના મેડીકલ ઓફિસર ડૉ. જયેશ વદર, જેન્ડર કો-ઓર્ડિનેટર વૈશાલી પટેલ, “સંકલ્પ” ડિસ્ટ્રિક્ટ હબના જેન્ડર સ્પેશ્યાલિસ્ટ ચિરાગ દવે તથા લિટ્રસી ઇન ફાઇનાન્સ સૌરભ મારુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કિશોરાવસ્થા માનવ જીવનનો શારીરિક તથા માનસિક વિકાસ માટેનો અત્યંત સંવેદનશીલ અને નિર્ણાયક તબક્કો હોવાથી, આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કિશોરીઓમાં મહિલાલક્ષી સ્વાસ્થ્ય, પોષણ સ્તર સુધારણા તથા વ્યક્તિગત સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો અને તેમને સશક્ત બનાવવાનો રહ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya