
અમરેલી,17 ડિસેમ્બર (હિ.સ.)
અમરેલી જિલ્લા એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા બગસરા તથા બાબરા વિસ્તાર ખાતે જુના વાહનોની લે-વેચ કરતી ઓટો કન્સલટન્ટની દુકાનો પર વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન વાહન વેચનાર અને ખરીદનાર વ્યક્તિના આધાર-પુરાવા સંબંધિત વિગતો રજીસ્ટરમાં ફરજિયાત નોંધણી ન કરનાર ઓટો કન્સલટન્ટો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વાહન વ્યવહારમાં પારદર્શિતા જાળવવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે ઓટો કન્સલટન્ટોને ગ્રાહકોના આધારકાર્ડ, ઓળખ પુરાવા તથા વાહન સંબંધિત વિગતો રજીસ્ટરમાં નોંધવી ફરજિયાત છે. છતાં પણ બગસરા અને બાબરા વિસ્તારમાં કેટલીક દુકાનોમાં આ નિયમોનું પાલન કરવામાં આવતું ન હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
આ નિયમોનું ઉલ્લંઘન કરનાર ઇસમો વિરુદ્ધ અમરેલી એસ.ઓ.જી. દ્વારા કુલ ૦૫ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. સાથે જ સંબંધિત દુકાન માલિકોને ભવિષ્યમાં નિયમોનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી છે. પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે આગળ પણ નિયમ ભંગ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
અમરેલી એસ.ઓ.જી.ની આ કાર્યવાહીથી વિસ્તારમાં વાહન વ્યવહારને લગતી ગેરરીતિઓ પર નિયંત્રણ આવશે તેમજ ચોરીના વાહનોની અવરજવર પર અંકુશ મૂકવામાં મદદરૂપ થશે. નાગરિકોમાં પોલીસની આ કામગીરીને લઈ સંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai