
અમરેલી,17 ડિસેમ્બર (હિ.સ.) આજ રોજ અમરેલી તાલુકાના શેડુભાર ગામમાં આવેલ હર ભોલે પંચસ્તરીય મોડલ ફાર્મ ખાતે ખેડૂતો માટે પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કુદરતી અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અંગે ખેડૂતોમાં જાગૃતિ ફેલાવવાનો હતો. પ્રેરણા પ્રવાસ દરમિયાન પંચસ્તરીય ખેતી પદ્ધતિ, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને જમીનની ઉર્વરતા જાળવવાના ઉપાયો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી.
કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને જીવામૃત તૈયાર કરવાની રીતનો જીવંત ડેમો બતાવવામાં આવ્યો હતો. જીવામૃતમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી, તેની તૈયારીની પ્રક્રિયા, ઉપયોગની યોગ્ય માત્રા અને પાક પર થતી સકારાત્મક અસર વિશે નિષ્ણાતોએ વિસ્તૃત સમજ આપી હતી. જીવામૃતથી જમીનમાં રહેલા સુક્ષ્મજીવો સક્રિય થાય છે, જમીનની ગુણવત્તા સુધરે છે અને રાસાયણિક ખાતર પર આધાર ઘટે છે તે બાબતે ખાસ ભાર મૂકવામાં આવ્યો.
પ્રેરણા પ્રવાસમાં આસપાસના ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોએ મોડલ ફાર્મની મુલાકાત લઈ વિવિધ પાકો, વૃક્ષો અને ખેતી પદ્ધતિઓ નિહાળી અને પ્રશ્નોત્તરી દ્વારા પોતાના સંશયો દૂર કર્યા હતા. આયોજકોએ જણાવ્યું કે આવી પ્રવૃત્તિઓથી ખેડૂતો કુદરતી ખેતી તરફ પ્રોત્સાહિત થશે અને ખેતી વધુ નફાકારક બનશે
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai