

પાટણ, 17 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરની યુનિવર્સલ પબ્લિક સ્કૂલ ખાતે વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમોત્સવમાં પ્રાથમિક તથા હાઈસ્કૂલ વિભાગના 300થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિવિધ રમતો દ્વારા પોતાની કુશળતા તથા ખેલદિલીનું પ્રદર્શન કર્યું હતું. રમોત્સવ દરમિયાન લેજિયમ, પિરામિડ, સ્કેટિંગ અને ડમ્બેલ્સ જેવા સાંસ્કૃતિક તથા શારીરિક પ્રદર્શનો યોજાયા હતા. સાથે સાથે બલૂન બેલેન્સ, જોડી રેસ, 100 મીટર દોડ, સ્લો સાયકલિંગ, લીંબુ-ચમચી, સેક રેસ અને સ્કિપિંગ રેસ જેવી વિવિધ રમતગમત સ્પર્ધાઓ પણ યોજાઈ હતી. મેદાની રમતોમાં ભાલા ફેંક અને ચક્ર ફેંકમાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના ટ્રસ્ટીગણ, કેમ્પસ ડાયરેક્ટર, આચાર્ય તેમજ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. શિસ્તબદ્ધ આયોજન અને સહકારના પરિણામે રમોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ