

ગાંધીનગર, 17 ડિસેમ્બર (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લાયન્સ ઇન્ટરનેશનલના ISAME-2025 ફોરમનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, આ ફોરમ લીડરશીપ, કો-ઓપરેશન અને ગુજરાતના વૈભવને વિશ્વ સમક્ષ વધુ ઉજાગર કરશે.
ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ લાયન્સ ક્લબ આયોજિત 53માં લાયન્સ ઇન્ટરનેશનલના આઈસેમ(ISAME) ફોરમમાં ઇન્ડિયા, સાઉથ એશિયા અને મિડલ ઇસ્ટ દેશોનો સમાવેશ થાય છે. આઈસેમ(ISAME)ના મેમ્બર કન્ટ્રીઝ ઉપરાંત અમેરિકા, કેનેડા, યુરોપ, એશિયા અને આફ્રિકાના અનેક આમંત્રિત દેશોના પ્રતિનિધિઓ સહિત 4 હજારથી વધુ લોકો ગુજરાતના આંગણે યોજાયેલા આ ત્રીજા ફોરમમાં ભાગ લઈ રહ્યાં છે.
આ લાયન્સ સેવાભાવીઓ મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને વિશ્વનેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈની વતન ભૂમિ પર એકત્ર થયા તે ભારતીય સંસ્કૃતિના ‘વસુધૈવ કુટુંબકમ’ મંત્રનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતને વિશ્વમિત્ર અને વિકાસનો સક્રિય ભાગીદાર બનાવવાની નેમ સાથે કામ કરે છે. વિશ્વ સમુદાયો હ્યુમન સેન્ટ્રિક ડેવલપમેન્ટ, ગ્લોબલ કો-ઓપરેશન અને સોફ્ટપાવર સાથે માનવ કલ્યાણનું સમાજહિત રાખે તેવો તેમનો ધ્યેય છે.
મુખ્યમંત્રીએ આ ફોરમ મોટિવેશન અને ઇનોવેશનનો મંચ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરતાં કહ્યું કે, લીડર્સ, સોશિયલ વર્કર્સ, ઇન્સપાયરીંગ પર્સનાલિટીઝ અને ફ્યુચર લીડર્સ એક મંચ પરભેગા થયા છે તે સમાજના જરૂરતમંદ લોકોના કલ્યાણ માટેના સેવાકાર્યોને નવી દિશા આપશે.
એટલું જ નહિ, યુનાઇટેડ નેશન્સના 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ તથા લાયન્સના મુખ્ય સેવાકીય કાર્યક્રમોની સમીક્ષા કરીને ભવિષ્યની કાર્યયોજના બનાવવા માટે આ ફોરમનું ગુજરાતમાં આયોજન યોગ્ય છે તેમ જણાવીને ભૂપેન્દ્ર પટેલે આ આયોજન ગુજરાતમાં કરવા માટે સૌ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે લાયન્સ ઈન્ટરનેશનલ સેવા અને નેતૃત્વમાં દીવાદાંડીની જેમ કાર્યરત રહ્યું છે તેની પ્રસંશા કરતા ઉમેર્યું કે, 200થી વધુ દેશો-પ્રદેશોમાં સેવાકીય પ્રવૃત્તિ માટે 49 હજારથી પણ વધુ ક્લબ ધરાવતું સક્રિય સ્વયંસેવક સંગઠન છે અને “વી સર્વ(We Serve)”ની ભાવનાથી કાર્યરત છે.
મુખ્યમંત્રીએ આઈસેમ-2025માં ઉપસ્થિત વિવિધ દેશોના પ્રતિનિધિઓ સમક્ષ ગુજરાતની વિકાસના રોલ મોડલ તરીકેની પ્રભાવક પ્રસ્તુતિ કરતા કહ્યું કે, ગુજરાત ઈન્ડસ્ટ્રી, ઇનોવેશન અને ન્યૂ ઈમર્જીંગ સેક્ટર્સમાં દેશનું નેતૃત્વ કરી રહ્યું છે અને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ટર તથા સોશિયલ-ઇકોનોમિક ગ્રોથના પરિણામે દેશ-વિદેશના રોકાણકારોની પહેલી પસંદ બન્યું છે.
આ અવસરે ફોરમના ચેરમેન પ્રવિણ છાજેડ, લાયન્સના ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ એ. પી. સિંઘ, બીએપીએસના અગ્રણી સંત બ્રહ્મવિહારી સ્વામી, ફોરમની પ્લાનિંગ કમિટિના ચેરમેન રમેશ પ્રજાપતિ અને લાયન્સ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ