
પાટણ, 17 ડિસેમ્બર (હિ.સ.) પાટણ નગરપાલિકા દ્વારા એડવાન્સ ટેક્સ ભરનારા મિલકતધારકોને પ્રોત્સાહનરૂપે અપાતી કચરાની ડોલનું વિતરણ અચાનક બંધ કરાતા વિવાદ સર્જાયો છે. શહેરના નિયમિત કરદાતાઓને લાભ આપવા માટે સરકારી નિયમ મુજબ આ યોજના અમલમાં મૂકાઈ હતી.
નગરપાલિકાએ અગાઉ ડોલનું વિતરણ શરૂ કર્યું હતું, પરંતુ કોઈ સ્પષ્ટ કારણ આપ્યા વિના તે કામગીરી અટકાવી દેવામાં આવી છે. પરિણામે અનેક જાગૃત અને નિયમિત એડવાન્સ ટેક્સ ભરનારા નાગરિકો આ લાભથી વંચિત રહ્યા છે, જ્યારે ડોલોની ખરીદી સરકારની ગ્રાન્ટ અથવા પાલિકાના સ્વભંડોળમાંથી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
આ મામલે કોર્પોરેટર ભરત ભાટિયાએ પાલિકા પ્રમુખને લેખિત રજૂઆત કરી વહીવટી બેદરકારીનો આક્ષેપ કર્યો છે. તેમણે તમામ પાત્ર કરદાતાઓને કોઈપણ વિઘ્ન વિના તાત્કાલિક કચરાની ડોલનું વિતરણ કરવા માંગ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ