
પાટણ, 17 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ શહેરની એક ફાઇનાન્સ ઓફિસમાં કામ કરતી મહિલા કર્મચારી અને સંચાલકને બંધક બનાવી લૂંટ તથા ખંડણીનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ મામલે પીડિત મહિલાએ પાટણ સીટી બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ ગત 13/12/2025ના રોજ રાત્રે 8 વાગ્યે અઘાર ગામના ભયલુ ઠાકોર અને રવિ રાવલ ઓફિસમાં ઘૂસી આવ્યા હતા. તેમણે શટર બંધ કરી છરી બતાવી મહિલા અને સંચાલકને માર મારી ધમકાવ્યા હતા અને બંને વચ્ચે સંબંધ હોવાનો ખોટો આક્ષેપ કર્યો હતો.
આરોપીઓએ બંનેને જબરદસ્તી અશ્લીલ હરકતો કરાવી તેનો વીડિયો અને ફોટા ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. આ દરમિયાન મહિલાથી રૂ. 10,000 રોકડ અને સંચાલક પાસેથી બેંકના 5 સહી કરેલા કોરા ચેક પડાવ્યા હતા તેમજ વીડિયો ન વાયરલ કરવા રૂ. 10 લાખની ખંડણી માંગવામાં આવી હતી.
ઘટના બાદ સતત ધમકીઓ અને બ્લેકમેલિંગથી કંટાળીને પીડિતોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પાટણ સીટી બી-ડિવિઝન પોલીસે ભયલુ ઠાકોર, રવિ રાવલ, પરેશ તથા બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ BNS કલમ 309(6), 308(5), 351(2), 79, 115(2), 61(2)(b) અને જી.પી. એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ