
અમરેલી, 17 ડિસેમ્બર (હિ.સ.) :
અમરેલી જિલ્લાના સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. માર્કેટિંગ યાર્ડમાં આવેલ ફરસાણના કેબીનમાં આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી. આગની લપેટો અને ધુમાડો દેખાતાં જ વેપારીઓ અને મજૂરોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આગ લાગ્યા બાદ નજીકમાં સંગ્રહિત કપાસ, મગફળી સહિતના ખેતજણસો સુધી આગ ફેલાય તેવી ભીતિ ઊભી થઈ હતી, જેના કારણે વેપારીઓમાં દોડધામ શરૂ થઈ ગઈ હતી. ખાસ કરીને પતરાના શેડમાં પડેલો કપાસ સળગી ન જાય તે માટે વેપારીઓ ભારે મૂંઝવણમાં મુકાયા હતા અને પોતાની રીતે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
ઘટનાની જાણ થતા જ સાવરકુંડલા નગરપાલિકાનું ફાયર ફાઇટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમે ઝડપી કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો, જેના કારણે મોટી નુકસાનની ઘટના ટળી હોવાનું માનવામાં આવે છે. હાલ આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાથી માર્કેટિંગ યાર્ડમાં થોડા સમય માટે કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી, પરંતુ વેપારીઓને માલમત્તાના નુકસાનની ચિંતા સતાવી રહી છે. પોલીસે અને માર્કેટિંગ યાર્ડના તંત્રએ સુરક્ષા અને આગ નિવારણ માટે જરૂરી પગલાં લેવા સૂચનાઓ આપી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai