


પોરબંદર, 17 ડિસેમ્બર (હિ.સ.) કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખાપટ, પોરબંદર ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) અંતર્ગત સ્વયં પ્રેરિત ખેડૂતો માટે આયોજિત પ્રાકૃતિક ખેતીની પાંચ દિવસીય તાલીમ યોજાઈ હતી.
તાલીમ દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક તથા વડા ડૉ. એચ. આર. વદર, વૈજ્ઞાનિક (બાગાયત) ડૉ. વિરાટ પરમાર અને વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ) મિલન નંદાણીયાએ પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ અંગે ખેડૂતોને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો, ફાયદા, પાક સંરક્ષણ તથા ટકાઉ ખેતી પદ્ધતિઓ અંગે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત દિલીપકુમાર હડિયા અને હિતેશ ઓડેદરા દ્વારા પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગમાં લેવાતા આવશ્યક ઇનપુટ્સનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું, જેના દ્વારા ખેડૂતોને સિદ્ધાંત સાથે વ્યવહારુ જ્ઞાન પણ પ્રાપ્ત થયું હતું. તાલીમના ભાગરૂપે ખેડૂતોને મશરૂમ યુનિટની મુલાકાત કરાવવામાં આવી હતી અને મશરૂમ ખેતીની આધુનિક પદ્ધતિઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ પાંચ દિવસીય તાલીમ ખેડૂતો માટે અત્યંત લાભદાયી અને માહિતીસભર સાબિત થઈ હતી. તાલીમમાં પોરબંદર જિલ્લાના ત્રણેય તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya