
જામનગર, 17 ડિસેમ્બર (હિ.સ.) : ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)- જામનગર દ્વારા જીઆઇડીસી ખાતે અને અન્ય ઔદ્યોગિક વિસ્તારોમાં નિયમિત રીતે સ્થળ મુલાકાતો લેવામાં આવે છે. આ તપાસ દરમિયાન અનેક એકમો દ્વારા ઔદ્યોગિક ગંદા પાણીનો નિકાલ સીધો જીઆઇડીસી ગટરમાં કે બહાર ખુલ્લામાં કરાતો હોવાનું સામે આવ્યું છે. તેમજ ઘણા યુનિટો બોર્ડની જરૂરી મંજુરી વગર કાર્યરત હોવાને લીધે, તેઓ સામે તાત્કાલિક રૂપે એકમ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે.
આવા કિસ્સાઓમાં અમુક ઔદ્યોગિક એકમો ભાડે ચાલતા હોય છે, જેમાં સંયુક્ત જવાબદારી પ્લોટ માલિકની પણ ગણવામાં આવે છે. આ ઉપરાંત, બોર્ડ દ્વારા આ રીતે બંધ કરાયેલા યુનિટ સામે દંડ વસુલવામાં આવે છે અને તેની સંયુક્ત જવાબદારી પ્લોટના માલિક ઉપર આવે છે.
જેથી ભાડે આપેલા એકમ માટે GPCBની તમામ જરૂરી મંજુરીઓ સમયસર લેવા અને ઔદ્યોગિક ગંદા પાણીનો નિકાલ માત્ર CETP (Common Effluent Treatment Plant) મારફતે કે પોતાની રીતે ટ્રીટમેન્ટ થકી જ કરવામાં આવે તેવી તકેદારી રાખવા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા અપીલ કરવામાં આવી છે. જેથી કરીને પ્લોટ માલિક આ પ્રકારની દંડાત્મક કાર્યવાહીથી બચી શકે તેમ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી જી.બી.ભટ્ટ એ જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt