
-વારસદારનું નામોનિશાન નહીં, છતાં પડી ગઈ વારસાઈ નોંધ !
- તલાટીએ કહ્યું- 'મેં પેઢીનામું નથી બનાવ્યું', મામલતદાર કચેરીની ભૂમિકા શંકાના દાયરામાં
-ઓળખ વિહોણા વારસદારના નામે થયેલી વારસાઈ નોંધે સરકારી તંત્રની પોલ ખોલી
-નાયબ કલેક્ટરે નોંધ રદ કરી પણ કૌભાંડી કોણ એની તપાસ કરી કાર્યવાહી જરૂરી
ભરૂચ 17 ડિસેમ્બર (હિ.સ.) ભરૂચ જિલ્લાના ઝંઘાર ગામમાં એક વારસાઈ નોંધને લઈને મોટો વિવાદ સર્જાયો છે, જેમાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી અને સંભવિત મિલીભગતની આશંકા સેવાઈ રહી છે. સમગ્ર મામલો એટલો શંકાસ્પદ છે કે, વારસાઈ નોંધમાં જે વ્યક્તિ 'યાકુબ ઈસપ મહંમદ સુલેમાન'ના વારસદાર તરીકે નોંધાયા છે, તે વ્યક્તિની હયાતી કે ઓળખ અંગે કોઈ પુરાવા નથી. વાંધા અરજી કરનારે સ્પષ્ટ દાવો કર્યો છે કે, વારસાઈ નોંધમાં નોંધાયેલ વારસદાર કોણ છે તેની કોઈને જાણ નથી. આ પ્રકારની ગેરરીતિઓએ ઈધરા મામલતદાર કચેરીથી લઈને ગ્રામ પંચાયત સુધીની સમગ્ર પ્રક્રિયાને શંકાના દાયરામાં મૂકી દીધી છે.
આ શંકાસ્પદ વારસાઈ નોંધ પાડવા માટે રજૂ કરાયેલા પેઢીનામાની પ્રક્રિયા વધુ ચોંકાવનારી છે. નિયમ મુજબ વારસદારની ઓળખ અને ખરાઈ અનિવાર્ય હોવા છતાં, તલાટીએ આ વ્યક્તિની ખરાઈ કર્યા વગર જ કાર્યવાહી આગળ ધપાવી. તલાટીએ માત્ર ગામના 3 વ્યક્તિઓના ફોટો આધારકાર્ડ સાથેના સોગંદનામા લીધા હતા, પરંતુ સોગંદનામું કરનારાઓએ જેને ઓળખતા નહોતા તેવા 'યાકુબ ઈસપ મહંમદ સુલેમાન'ને વારસદાર તરીકે સ્થાપિત કરવામાં મદદ કરી. નવાઈની વાત એ છે કે, આ સોગંદનામામાં વારસદાર તરીકે દાવો કરનાર યાકુબ ઈસપ મહંમદ સુલેમાનનો પોતાનો ફોટો કે આધારકાર્ડ જોડવામાં આવ્યો ન હતો. તલાટીએ આ વ્યક્તિ કોણ છે તે જાણવાની તસ્દી ન લેતાં તેની ભૂમિકા પર ગંભીર સવાલો ઉભા થયા છે. આ ઉપરાંત, પેઢીનામા માટે જે અરજી રજૂ થઈ તેમાં લખાયેલા મોબાઇલ નંબરના માલિકે પણ અલગ અલગ સરકારી ખાતામાં અરજી કરીને જણાવ્યું છે કે, તેમના મોબાઇલ નંબરનો દુરુપયોગ વારસાઈ નોંધ અને પેઢીનામું બનાવવા માટે કરવામાં આવ્યો છે. વારસદારની ઓળખ, પેઢીનામું બનાવનારની માહિતી અને મોબાઇલ નંબરના દુરુપયોગ જેવી ગંભીર ગેરરીતિઓ હોવા છતાં ઈધરા મામલતદારે આ નોંધ કઈ રીતે પાડી દીધી, તે વહીવટી તંત્રની લોલમલોલ દર્શાવે છે.
આ ગંભીર મામલો ઉચ્ચ અધિકારીઓના ધ્યાનમાં આવતા, વારસાઈ નોંધ સામે વાંધો રજૂ થતાં નાયબ કલેક્ટરે તાત્કાલિક આ વારસાઈ નોંધ રદ કરી દીધી છે. નોંધ રદ થતાં એક તબક્કે સરકારી દસ્તાવેજની ગેરરીતિ અટકી છે, પરંતુ આ સમગ્ર પ્રકરણમાં સરકારી તંત્રને ઉલ્લુ બનાવનાર કૌભાંડી કોણ છે તે મોટો સવાલ છે. ખોટી રીતે પેઢીનામું બનાવનાર વ્યક્તિ સામે અને તેને સહાય કરનાર સરકારી કર્મચારીઓ સામે તપાસ થવી ખુબ જ જરૂરી છે.
આ પ્રકરણ જોતા વહીવટીતંત્રમાં ચાલતી ગંભીર બેદરકારી સ્પષ્ટપણે ઉજાગર થઈ છે. આ અંગે તલાટી ચેતન સોલંકી સાથે ટેલિફોનિક વાતચીત કરતાં તેણે પોતાનો લૂલો બચાવ કરતા કહ્યું હતું કે, પંચક્યાસ (પંચનામું) તેમણે કર્યું છે પરંતુ પેઢીનામું તેમણે બનાવ્યું નથી. જો પેઢીનામું તલાટીએ બનાવ્યું ન હોય તો વારસાઈ નોંધ માટે જે પેઢીનામું રજૂ થયું તે સરકારી દફતરે કઈ રીતે પહોંચ્યું, તેનો જવાબ શોધવો જરૂરી છે.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ