
પાટણ, 17 ડિસેમ્બર (હિ.સ.)પાટણ તાલુકાના સંડેર ગામના ભરત દેવીપૂજકની નવેમ્બર, 2023માં થયેલી હત્યાના કેસમાં પાટણ જેલમાં બંધ આરોપી કમલેશ પરમારની વચગાળાની જામીન અરજી પાટણ સેશન્સ કોર્ટએ ફગાવી દીધી છે. સેશન્સ જજ પ્રશાંત એચ. શેઠે બંને પક્ષોની દલીલો બાદ આ નિર્ણય આપ્યો હતો.
આરોપી કમલેશ પરમાર પર માતપુર-ડાભડી રોડ નજીકના ખેતરમાં ભરત દેવીપૂજકને ઝાડ સાથે બાંધી માર મારી હત્યા કરવાનો તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી લાશ રોડ સાઈડ પર ફેંકી દેવાનો ગંભીર આરોપ છે.
આરોપીએ પગના ઓપરેશન માટે 30 દિવસના વચગાળાના જામીનની માગ કરી હતી, પરંતુ સરકારી વકીલે તેનો વિરોધ કરતા જણાવ્યું કે આરોપી સામે ગંભીર ગુનો છે અને તે નાસી જવાની ભીતિ છે. સાથે જ આરોપીએ ઓપરેશન અંગે કોઈ તાજા મેડિકલ પુરાવા રજૂ કર્યા નથી.
કોર્ટે નોંધ્યું કે આરોપી દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજો જૂના છે અને હાલમાં ઓપરેશનની તાત્કાલિક જરૂરિયાત દર્શાવતા કોઈ પુરાવા નથી. તપાસ અધિકારીના અહેવાલ મુજબ જેલમાંથી સિવિલ હોસ્પિટલમાં સારવારની સુવિધા ઉપલબ્ધ હોવાથી જામીન જરૂરી નથી. કોર્ટે જેલ તંત્રને જરૂરી પડ્યે આરોપીને સારવાર અપાવવાનો નિર્દેશ આપ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ