
જામનગર, 17 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના પ્રભારી સચિવ અનુપમ આનંદના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળના વિવિધ વિકાસ કામોની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન પ્રભારી સચિવે તાલુકા તથા ગ્રામ્ય કક્ષાના મહત્વના વિકાસ કાર્યો કોઈપણ પ્રકારના વિલંબ વગર પૂર્ણ થાય તે રીતે કામગીરી હાથ ધરવા સ્પષ્ટ નિર્દેશો આપ્યા હતા.
તેમણે ખાસ જણાવ્યું હતું કે જન કલ્યાણના કામોને સર્વોચ્ચ અગ્રતા આપી તેને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા જોઈએ, સાથે જ અધિકારીઓને સમયાંતરે ફિલ્ડ વિઝીટ કરી કામગીરીની રૂબરૂ ચકાસણી કરવા અને દરેક કચેરીઓમાં પડતર કામગીરીનો સત્વરે નિકાલ કરવા સૂચના આપી હતી.
બેઠકમાં પ્રભારી સચિવે જિલ્લાના ચાલુ, પડતર તેમજ આગામી સમયમાં હાથ ધરાનાર વિવિધ વિકાસ કામો અને યોજનાકીય અમલવારી અંગે ઝીણવટભરી જાણકારી મેળવી હતી. આ તકે જિલ્લા કલેકટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી તથા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ દ્વારા પ્રભારી સચિવ સમક્ષ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લાની યોજનાકીય વિગતો રજૂ કરવામાં આવી હતી.
આ બેઠકમાં આસિસ્ટન્ટ કલેકટર સ્વપ્નિલ સિસલે તથા અદિતિ વાર્ષને, ઇ.ચા. નિવાસી અધિક કલેકટર બ્રિજેશ કાલરીયા, સર્વે પ્રાંત અધિકારીઓ મામલતદારો સહિત સંકલન સમિતિના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt