
મહેસાણા,17 ડિસેમ્બર (હિ.સ.) મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની સ્વચ્છતા અને પર્યાવરણની સુરક્ષા માટે રોડ સાઈડ પર જમા થયેલા પ્લાસ્ટિક કચરા તેમજ જાડી-ઝાંખરા દૂર કરવાની વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના મુખ્ય માર્ગો, આંતરિક રસ્તાઓ, સર્વિસ રોડ અને ખુલ્લી જગ્યાઓમાં લાંબા સમયથી એકત્ર થયેલા કચરાને દૂર કરી વિસ્તારને સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ અભિયાન અંતર્ગત કોર્પોરેશનના સ્વચ્છતા વિભાગની ટીમો દ્વારા મશીનરી અને માનવશક્તિનો યોગ્ય ઉપયોગ કરીને પ્લાસ્ટિક થેલીઓ, બોટલો, કચરો તેમજ રોડની બાજુમાં ઉગેલા જાડી-ઝાંખરા સાફ કરવામાં આવી રહ્યા છે. આ કામગીરીથી રોડની દેખાવમાં સુધારો થવા સાથે વાહન ચાલકો અને પદયાત્રીઓની સલામતીમાં પણ વધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્લાસ્ટિક કચરો પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે ગંભીર ખતરો છે, તેથી તેના નિયંત્રણ માટે સતત કામગીરી જરૂરી છે. સાથે જ નાગરિકોને પણ જાહેર સ્થળોએ પ્લાસ્ટિક ન ફેંકવા, સ્વચ્છતા જાળવવા અને કોર્પોરેશનને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
આ સ્વચ્છતા અભિયાન આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ ચાલુ રાખવામાં આવશે, જેથી મહેસાણાને સ્વચ્છ, હરિયાળું અને સ્વસ્થ શહેર બનાવવાના લક્ષ્યને સાકાર કરી શકાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR