
પાટણ, 17 ડિસેમ્બર (હિ.સ.)સમી તાલુકાના વરાણા ગામ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક ઈકો કારે રસ્તા પર ચાલતા રાહદારી ચંડીદાન ગઢવીને જોરદાર ટક્કર મારી હતી, જેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક રાધનપુર ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે ધારપુર રિફર કરાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
આ જ ઈકો કારે આગળ જઈને બાઈક પર સવાર પિતરાઈ ભાઈ-બહેનને પણ ટક્કર મારી હતી, જેના કારણે બંનેને ઈજાઓ પહોંચી હતી. હાલ બંને ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
મૃતકના પુત્રએ આ અકસ્માત સર્જનાર ઈકો કાર ચાલક વિરુદ્ધ સમી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. અકસ્માત બાદ ઈકો કાર ચાલક પોતાની કાર ઘટના સ્થળે છોડીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ