

પોરબંદર, 17 ડિસેમ્બર (હિ.સ.) ભારતના ચૂંટણી પંચ દ્વારા 12 રાજ્યોમાં જાહેર કરાયેલી ખાસ મતદાર યાદી માટેની ખાસ સઘન સુધારણા ઝુંબેશમાં ગુજરાત રાજ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઝુંબેશ અંતર્ગત પોરબંદર જિલ્લામાં પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થવાના અનુસંધાને આજે મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ધાનાણીએ જણાવ્યું હતું કે ખાસ સઘન સુધારણા ઝુંબેશની પ્રથમ તબક્કાની કામગીરી તા.14/12/2025 ના રોજ પૂર્ણ કરવામાં આવી છે. તેના અનુસંધાને આગામી તા.19/12/2025ના રોજ પ્રથમ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યારબાદ તા.19/12/2025થી તા.18/1/2026 દરમિયાન હક, દાવા અને વાંધા રજૂ કરવાની તક આપવામાં આવશે. તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ તા.17/2/2026ના રોજ મતદાર યાદીની અંતિમ પ્રસિદ્ધિ કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લામાં કુલ 5,01,734 મતદારો નોંધાયેલા છે, જેમાંથી 4,34,924 મતદારોના જરૂરી આધાર પુરાવા સાથેના ગણતરી ફોર્મ પરત મળ્યા છે. જોકે, આ પૈકી 2002 ની મતદાર યાદીમાં મેપિંગ ન થયેલા 28,133 મતદારો નોંધાયા છે. આ તમામ મતદારોને બીજા તબક્કાની કામગીરી દરમિયાન મતદાર નોંધણી અધિકારી દ્વારા નોટિસ આપીને જરૂરી આધાર પુરાવા રજૂ કરવા માટે જાણ કરવામાં આવશે.
જિલ્લા કલેકટરએ સ્પષ્ટ કર્યું હતું કે તા.19/12/2025ના રોજ પ્રસિદ્ધ થનાર ડ્રાફ્ટ મતદાર યાદીમાં આ 28,133 મતદારોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ છતાં, સુનાવણી દરમ્યાન જો તેઓ જરૂરી આધાર પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહેશે, તો તેમના નામ મતદાર યાદીમાંથી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત પ્રથમ તબક્કાની કામગીરી દરમિયાન 66,819 મતદારોના ફોર્મ મૃત્યુ, કાયમી સ્થળાંતર, હાજર ન મળવા સહિતના કારણોસર પરત મળ્યા નથી. આવા મતદારોના નામ પ્રથમ ડ્રાફ્ટ મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. આ તમામ વિગતો જિલ્લા ચૂંટણી અધિકારીની વેબસાઈટ, મુખ્ય નિર્વાચન અધિકારી (CEO)ની વેબસાઈટ તેમજ રાજકીય પક્ષોને બુથવાઇઝ યાદી સ્વરૂપે આપવામાં આવી છે. જો આ પૈકી કોઈ મતદાર પોતાનું નામ મતદાર યાદીમાં ચાલુ રાખવા ઇચ્છતો હોય, તો તેઓ બીજા તબક્કા દરમિયાન અરજી, હક કે વાંધા રજૂ કરી શકશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે 2002 ની મતદાર યાદીમાં મેપિંગ ન થયેલા મતદારો તેમજ મૃત્યુ, કાયમી સ્થળાંતર કે હાજર ન મળેલા મતદારોને તા.19/12/2025વથી તા.18/1/2026સુધી આધાર પુરાવા રજૂ કરવાની તથા સાંભળવાની સંપૂર્ણ તક આપવામાં આવશે. સાથે જ, બીજા તબક્કાની કામગીરી દરમિયાન તા.1/1/2026ની સ્થિતિએ 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનો પણ પોતાના નામ મતદાર યાદીમાં નોંધાવી શકશે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya